ફરિયાદ મળતા કોર્પોરેશનનો કાફલો ત્રાટક્યો: પરેશ પ્રોવિઝનમાંથી એક્સપાયરી ડેટ વિતી ગયા હોવા છતાં 8 માસ બાદ પણ વેચાતી 152 બોટલ સીંગતેલનો નાશ કરી નમૂનો લેવાયો
એક્સપાયરી ડેટ વિતી ગયાના 8 મહિના પછી પણ વેપારી ગ્રાહકોને ખાદ્ય તેલનું વેંચાણ કરતો હોવાનું ફરિયાદ મળતા આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં પરેશ પ્રોવિઝન સ્ટોર્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં એક્સપાયરી ડેટવાળી અર્થ ઓર્ગેનિક સિંગતેલની 156 બોટલો મળી આવતા તેનો નાશ કરી નમૂના લેવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મિલપરા મેઇન રોડ પર લક્ષ્મીવાડી શેરી નં.16ના કોર્નર પર આવેલી પરેશ ચીમનલાલ ભાયાણીની પરેશ પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાનમાં એક્સપાયરી ખાદ્ય તેલનું વેંચાણ થતું હોવાની માહિતી મળતા કોર્પોરેશનનો કાફલો ત્રાટક્યો હતો. અહિં અર્થ ઓર્ગેનિક ડ્રાઉનટ ઓઇલની 1000 એમ.એલ.ની બોટલ પર ઉત્પાદન તા.8/1/2021 દર્શાવવામાં આવી હતી. બેસ્ટ બીફોર 12 મંથ ઓફ મેન્યુફેક્ચરીગનું લેબલ ધરાવતી 156 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. એક્સપાયરી ડેટ વિતી ગયાના 8 માસ બાદ પણ સિંગતેલનું વેંચાણ કરવામાં આવતું હોય તેલનો નમૂનો લીધા બાદ વધેલી 152 બોટલનો જથ્થો સીલ કરી સીઝ કરી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગણેશ મહોત્સવના તહેવારને ધ્યાનમાં રાખી મીઠાઇ અને મોદકનું વેચાણ કરતા સોરઠીયા વાડી, ભક્તિનગર સર્કલ, 80 ફૂટ રોડ અને પરાબજાર વિસ્તારમાં 22 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે મોરબી રોડ વિસ્તારમાં 13 પેઢીઓમાં ચેકીંગ હાથ ધરી સોમનાથ ડેરી, ભેરૂનાથ નમકીન, દ્વારકાધીશ પાન અને શિવ બેકર્સને નોટિસ આપવામાં આવી છે.