રાજકોટમાં વેચાતા લૂઝ દૂધમાં બેફામ ભેળસેળ કરવામાં આવતી હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. કોર્પોરેશન આરોગ્ય શાખા દ્વારા તાજેતરમાં આસપાસના ગામડાઓમાંથી રાજકોટમાં વેંચાણ અર્થે મોકલવામાં આવતા દૂધના વાહનમાંથી અને આ દૂધના જથ્થાને જ્યાં સપ્લાય કરવામાં આવાતો હતો ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા. પરિક્ષણમાં મિક્સ લૂઝ દૂધના ત્રણેય નમૂના નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. દૂધમાં ફોરેન ફેટની હાજરી મળી આવી હતી. આ ઉપરાંત ધારાધોરણ કરતા બીઆર રિડીંગ વધુ અને એસ.એન.એફ. ઓછા માત્રા મળી આવી હતી.
આશાપુરા ડેરી, શિવશક્તિ ડેરી અને બહાર ગામથી રાજકોટ પર આવતા દૂધના વાહનમાંથી લેવાયેલાં દૂધના નમૂના પરિક્ષણમાં ફેઇલ : એસએનએફનું પ્રમાણ ઓછું અને ધારાધોરણ કરતા બીઆર રિડીંગ વધુ મળી આવ્યું
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ થોડા સમય પહેલાં કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂટ વિભાગ દ્વારા મુંજકામાં ગાંધીગ્રામ-૨ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને સાથે રાખી જી.જે.૧૧-ટીટી-૯૫૬૯ નંબરની બોલરોમાં રાજકોટમાં વેંચાણ અર્થે આવતા દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની બાતમી મળતા આ વાહનમાંથી મિક્સ લૂઝ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આ વાહન ચાલક દ્વારા શહેર આશાપુરા રોડ પર પ્રહ્લાદ પ્લોટ શેરી નં.૫૨ કોર્નર પર આવેલી આશાપુરા ડેરી અને આડા પેડક રોડ પર સ્વીમીંગ પુલ સામે ગ્રીન ગોલ્ડ સોસાયટી-૧માં શિવશક્તિ ડેરીમાંથી મિક્સ લૂઝ દૂધના નમૂના લેવામાં આવ્યા હતાં. જેમાં ફોરેન ફેટની હાજરી અને બીઆર રિડીંગ ધારાધોરણ કરતાં વધુ માત્રામાં મળી આવ્યા હતાં
અને એસએનએફ પણ નિયત માત્રા કરતાં ઓછા હોવાના કારણે નમૂનો સમસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.
આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખી શહેરના સંતકબીર રોડ, ભૂપેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં લાઇવ પફ વર્લ્ડ, રોયલ ચાઇનીઝ, જય સિયારામ વડાપાઉં, ખેતલાઆપા વડાપાઉં, દિલખુશ વડાપાઉં, સિતારામ પાણીપુરી, રામદેવ નાસ્તા સેન્ટર, કાર્તિક ઢોસા, રઘુવંશી વડાપાઉં, જલારામ વડાપાઉં, ફાઇસ ક્લબ, જય જલારામ ભેલ હાઉસ એન્ડ ફાસ્ટ ફૂડ, જય શિવશંકર પાણીપુરી, ફેમસ વડાપાઉં, ૨૪ કેરેટ શેઇક શોપ, મનુભાઇ ઘુઘરાવાળા, જલારામ વડાપાઉં એન્ડ ખમણ, જલારામ પાણીપુરી, ગોકુલ પાણીપુરી, રવેચી રેસ્ટોરન્ટ, ફેમસ વડાપાઉં, મહાકાળી પાણીપુરીમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૧૮ કિલો વાસી બટેટા, ૧ કિલો પનીર, ૨૧ કિલો સોસ, ૩ કિલો વાસી બટેટાનો માવો, ૨ કિલો વાસી બાફેલા શાકભાજીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.