રાજ્યમાં છ મનપાની ચૂંટણી યોજાઇ હતી જેમાં સાંજ સુધી શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. કેટલાક મતદાન મથકો પર વિવિધ પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ વચ્ચે સામાન્ય તકરાર સિવાય અન્ય કોઇ મોટી ઘટના નોંધાઇ ન હતી પરંતુ રાજકોટમાં વામ્બે આવાસ યોજના નજીક EVMમાં તોડફોડની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે રાજકોટમાં વોર્ડ નંગર 11માં EVMમાં તોડફોડની ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સ્કોર્પિયો કારમાં ધસી આવેલા કેટલાક આવારા તત્વો દ્વારા મતદાન બૂથમાં ધસી આવી EVMમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની વાત વાયુવેગે ફેલાઇ જતા પોલીસના ધાડેધાડે ધસી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તોડફોડ કર્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા જેઓને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. તો મતદાન મથકમાં તોડફોડને લઇને સુરક્ષાને લઇને પણ સવાલો ઉઠ્યા છે.
રાજકોટ વામ્બે આવાસ યોજના નજીક બોગસ મતદાનની ફરિયાદ ઉઠવા પામી હતી જેની જાણ થતા જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દોડી આવ્યા હતા. બંને પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનો આમને સામને આવી જતા ઘર્ષણભર્યા દ્રશ્યો સર્જાયા હતા. જો કે પોલીસની મધ્યસ્થા બાદ મામલો થાળે પડ્યો હતો.