ચીન સામે સરહદે ઘર્ષણ બાદ દેશમાં ચાઈનીઝ વસ્તુઓનાં બહિષ્કારનું અભિયાન છેડાયું હતું. લોકોને ચાઈનીઝ વસ્તુઓ પ્રત્યે સુગ ચડવા લાગી હતી. આવા સમયે ચીનની અવેજીમાં ભારતીય ઉધોગો પણ સ્થાનિક અને વૈશ્ર્વિક ફલક પર ફેલાય તેની તૈયારી કેન્દ્ર સરકારે કરી છે જોકે ચીન સામેની સ્પર્ધામાં ટકવા માટે અનેક અડચણો સામે આવે છે ત્યારે રાજકોટના ઉધોગપતિઓ પાસેથી ચાઈનીઝ પ્રોડકટની અવેજી મુદ્દે અબતક દ્વારા અભિપ્રાયો લેવાનો પ્રયત્ન થયા હતા.

આ અભિપ્રાયમાં જાણવા મળ્યું હતું કે, ચીનનો કાચો માલ બંધ થઈ જાય તો સૌરાષ્ટ્રનાં ઘણા ઉધોગો ઉપર મુશ્કેલીનાં વાદળો ઘેરાઈ શકે. અત્યારે મશીનરી પાર્ટસ, પીગમેન્ટ, વેફર સહિતનાં ફુડ પ્રોડકટ બનાવવા માટેની મશીનરી, પ્રિન્ટીંગ પ્રેસ, દવા છાંટવાનાં પંપ સહિતનું ચીનમાંથી આવે છે. સૌરાષ્ટ્રનાં ઘણા ઉધોગો ચીન ઉપર નિર્ભર છે જો ચીનની અવેજીમાં ઉભરી આવવું હોય તો અગાઉથી પ્લાનીંગ કરવું જરૂરી બને છે. ચીને જે સામ્રાજય સ્થાપ્યું છે જે રાતોરાત ઉભું થયું નથી. ૧૯૮૬માં ભારત અને ચીનની આયાત નિકાલ સરખી હતી પરંતુ ૧૯૯૧ બાદ ચાઈનાની ઘણી આઈટમો ઈમ્પોર્ટ થવા લાગી. ચીન સસ્તુ આપે છે એટલે લોકો સસ્તુ ખરીદે છે જયાં સસ્તુ મળતું હોય તે ખરીદવાનો માનવ સ્વભાવ છે.

કોસ્ટીંગનો પ્રશ્ન નડતરરૂપ

ચીન સામે બાથ ભીડવા માટે સૌથી નડતરરૂપ પ્રશ્ન કોસ્ટીંગનો છે. સામાન્ય સંજોગોમાં ચીન કરતા ભારતમાં ટેકનોલોજીનો આવિસ્કાર સારો છે પરંતુ આ ટેકનોલોજી ચીનની સરખામણીએ મોંઘી છે. આવી જ રીતે ચીનની જેમ મોટા જથ્થામાં માલ બનાવીને લોકો સુધી પહોંચાડવો પણ ખુબ જ મુશ્કેલ બની જાય છે. કોસ્ટીંગ સૌથી મહત્વનું પાસુ છે. આપણે ટેકનોલોજીની દ્રષ્ટીએ સક્ષમ છીએ પરંતુ રો-મટીરીયલ સહિતનાં ક્ષેત્રે ભાવમાં કાચુ કપાતું હોય છે.

આટલા પ્રશ્ન નડતરરૂપ

  • રો-મટીરીયલ મોંઘુ
  • ચીનની સરખામણીએ ટેકસ વધુ
  • ટ્રાન્સપોર્ટેશન મોંઘુ
  • લેબર વધુ

ચાઈનાની અવેજી પુરી કરવા રાજકોટ-સૌરાષ્ટ્ર સક્ષમ: ધનસુખભાઈ વોરા

vlcsnap 2020 07 07 12h31m56s201

રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ ધનસુખભાઈ વોરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાઈનીઝ પ્રોડકટનો બહિષ્કાર થાય તે માટે ગયા અઠવાડિયે બધા એસોસીએશનની મીટીંગ યોજાઈ હતી. રાજકોટ એટલું સક્ષમ છે કે ચાઈનાની પ્રોડકટની અવેજી પુરવા રાજકોટ તે પ્રોડકટ બનાવી શકે તેમ છે. પ્રશ્ર્ન એ છે કે ચાઈનાની જે કોસ્ટ ઓફ પ્રોડકટ છે તેની સામે ભારતની કોસ્ટ ઓફ પ્રોડકટ વધારે છે જો એ કોસ્ટમાં ઘટાડો આવશે તો ઓટોમેટિક ચાઈના પ્રોડકટની માંગ ભારતમાંથી ઘટી જશે તો આ ભાવ કેવી રીતે નીચા આવે તે માટે બધાએ સાથે મળીને વિચારવાનું છે. તેમજ સરકારના સહકારની તેમાં જરૂર છે. આ માટે લોંગ ટાઈમ પ્લાનિંગ કરવું પડશે. રાજકોટનાં અલગ-અલગ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન તે માટે વિચારી રહ્યા છે જ. રાજકોટ એન્જીનીયરીંગ ગુડસ માટે સારી નામના ધરાવે જ છે. ચાઈના સામેની ટેકનોલોજી ભારત ડેવલોપ કરી શકે તેમ જ છે. જેના ઉદાહરણ આપણે લોકડાઉનનાં મહિનામાં જોયા. જે ચાઈનાને બીટ કરવાનો રસ્તો બતાવે છે.

સૌરાષ્ટ્રનો સીરામીક, મશીન ટૂલ્સ, કાસ્ટિંગ – ફોર્જિંગ સહિતના ઉદ્યોગ ચાઈના સામે હરિફાઈમાં ઉતરવા સક્ષમ: પરેશ વસાણી

vlcsnap 2020 07 07 12h31m27s178

આ અંગે રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશનન પ્રમુખ પરેશભાઈ વસાણીએ અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ફક્ત સરકારના પ્રયત્નોથી ચાઈનીઝ પ્રોડકટનો ઉપયોગ બંધ નહીં થાય તેના માટે જનતાએ પણ સહિયારો પ્રયત્ન અને ફાળો આપવો જ પડશે ત્યારે જ ચાઈનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર થઈ શકશે તેમજ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જે ચાઈનીઝ પ્રોડક્ટ્સનો ઉપયોગ આપણે હાલ સુધી કરી રહ્યા હતા તેનો પર્યાય ભારતીય ઉદ્યોગ સાહસિકો શોધી કાઢે અને ઓછી કિંમતે અથવા તો વાજબી ભાવે લોકો સુધી પહોંચાડી શકે તો જ ચાઈનીઝ પ્રોડક્ટ્સનો ઉપયોગ બંધ થઈ શકે. તેમણે કહ્યું હતું કે તમામ ઔદ્યોગિક સંગઠનો આ મામલે સરકારને રજુઆત કરનાર છે કે તમામ ચાઈનીઝ પ્રોડક્ટ્સ પર ઇન્કમ ડ્યુટી અથવા તો એન્ટી ડંપિંગ ડ્યુટી લગાડવામાં

આવે જેથી આ પ્રોડક્ટ્સની નિકાસ થાય નહીં તેમજ તેની સામે સ્વદેશી પ્રોડક્ટ્સના ભાવ નીચા રહે અને લોકો સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા થાય. તેમણે કહ્યું હતું કે આ પ્રકારે પગલાં લેવાથી જ ઉદ્યોગો આત્મ નિર્ભર બની શકશે તેમજ દેશ આત્મનિર્ભર બની શકશે.  તેમણે વધુમાં કહ્યું હતું કે હવે સરકારે આર એન્ડ ડી એટલે કે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તમામ ઉદ્યોગ ધંધામાં અવનવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન થાય તે તરફ આગળ વધવું પડશે તેમજ લોન્ગ ટર્મ પ્લાનિંગ કરવું પડશે કારણ કે આ બાબત કોઈ ટૂંકા ગાળાની બાબત નથી જેથી લાંબા સમયનું પ્લાનિંગ કરીને આગળ વધવું પડશે અને તેની શરૂઆત હાલ થી જ કરી દેવી પડશે. તેમણે અંતમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગો વિશે જણાવ્યું હતું કે મોરબીનો સીરામીક ઉદ્યોગ, મશીન ટૂલ્સ ઉદ્યોગ, બેરિંગસ ઉદ્યોગ, કાસ્ટિંગ – ફોર્જિંગ ઉદ્યોગ સહિતના જે સૌરાષ્ટ્રના ઉદ્યોગો છે તે ઉદ્યોગો ચાઈનાને ટક્કર મારે તેવા છે. આ તમામ ઉદ્યોગોમાં આપણે ગુણવત્તા તેમજ ઉત્પાદન ક્ષમતા સહિતની બાબતે ચાઈના સામે હરીફાઈમાં ઉતરવા સક્ષમ છીએ.

ચાઈનીઝ પ્રોડક્ટ્સનો વપરાશ બંધ કરીએ તો શરૂઆતમાં તકલીફ પડશે પણ આપનો દેશ ખરા અર્થમાં ’સોને કઈ ચીડિયા’ બની જશે: યશ રાઠોડ

vlcsnap 2020 07 07 12h31m38s20

આ અંગે રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશનના સેક્રેટરી યશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ચાઈનીઝ પ્રોડક્ટ્સ બંધ થાય તો આપણે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર ઉભું કરવું પડશે જ્યાં જરૂરિયાતમંદ તમામ પ્રોડક્ટ્સ અંગે રિસર્ચ કરી પ્રોડક્શન કરી શકીએ. જેમ જેમ આપણે આ ક્ષેત્રે આગળ વધીશું તેમ તેમ આપણાં ઉદ્યોગો અને દેશ આત્મનિર્ભર બની શકશે. તેમણે કહ્યું હતું કે આ પ્રક્રિયા લાંબી છે જેમાં આશરે ૩ વર્ષ જેટલો સમય લાગી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણે હાલ નાની નાની પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે જેમ કે હાલ મોટાભાગના બાળકોના રમકડાં ચાઈનીઝ હોય છે તો આ પ્રકારના રમકડાં બનાવતી યુનિટ લોકલ લેવલે કાર્યરત થાય તો ચાઈનીઝ પ્રોડક્ટ્સ પણ બંધ થાય અને રોજગારીની તકો પણ ઉભી થાય. તેમણે કહ્યું હતું કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે સમગ્ર વિશ્વનો ભરોસો ચાઈના પરથી ઉઠી ગયો છે જેના પરિણામે હાલ ભારત માટે ઉજળી તકો રહેલી છે. સમગ્ર વિશ્વમાંથી આપણા દેશમાં અનેકવિધ પ્રોડક્ટ્સ માટે ઇન્કવાયરી અને ઓર્ડર આવવા લાગી છે. હાલ આપણી બજાર ખુલે તે પહેલા એક્સપોર્ટ બજાર ખુલી ગઈ છે જેથી ભારત અને ભારતીય રોકાણકારો માટે વૈશ્વિક ફલક પર ખૂબ સારી તકો સાંપડી છે. તેમણે અંતમાં જાહેર જનતાને અપીલ કરતા કહ્યું હતું કે હાનિ પરિસ્થિતિમાં અમુક પ્રોડક્ટ્સ ચાઈના સિવાય કોઈ બનાવતું નથી ત્યારે આપણને એવું લાગી આવે કે ચલો આપણે આ પ્રોડક્ટ્નો ઉપયોગ કરી લઈએ પરંતુ તેની જગ્યાએ ધીરજ રાખવી અને જો આપણે તેમાં સફળ રહ્યા તો આશરે દોઢ થી બે વર્ષમાં ખરા અર્થમાં આપણો દેશ ’સોને કી ચીડિયા’ બની જશે.

મામલામાં ઔદ્યોગિક સંગઠનો અને અગ્રણીઓની કમિટી કાર્યરત, ટૂંક સમયમાં મુખ્યમંત્રીને કરાશે ધારદાર રજુઆત: રમેશભાઈ ટીલાળા

vlcsnap 2020 07 07 12h31m46s113

આ અંગે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલાળાએ કહ્યું હતું કે ચાઈનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કારની વાતો કરીને કઈ જ થવાનું નથી પણ તેની સામે એ કેવી રીતે કઈ ટેકનોલોજીના આધારે પ્રોડક્ટ્સ બનાવે છે તે ધ્યાને લઈને માઈક્રો લેવલે પ્લાનિંગ કરીને આપણે આગળ આવવું પડશે. સરકારે ચાઈનીઝ પ્રોડક્ટ્સ પર એન્ટી ડંપિંગ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી લગાવવી પડશે જેથી આપણી પ્રોડક્ટ્સની સરખામણીએ ચાઈનીઝ પ્રોડક્ટ્સ મોંઘી રહે. પરંતુ ફક્ત સરકારના પગલાં થી જ આ નિર્ણય સફળ નહિ બને. આપણે સૌ એ સ્વદેશી તરફ વળવું પડશે. અમુક પ્રોડક્ટ્સ ભલે થોડી મોંઘી મળે તેમ છતાં સ્વદેશી વાપરવાનો આગ્રહ રાખવો જ પડશે. તેમણે ઔદ્યોગિક એકમોને થતી અસર અંગે જણાવ્યું હતું કે અમુક પ્રોડક્ટ્સ આપણી પ્રોડક્ટની સરખામણીમાં ખૂબ સસ્તી છે, અમુક પ્રોડકટનો કોઈ વિકલ્પ પણ નથી જેના કારણે થોડો સમય ચોક્કસ હાલાકી ભોગવવી જ પડશે પરંતુ તે અંગે રાજકોટ ખાતે ઔદ્યોગિક સંગઠનો તેમજ ઉદ્યોગ અગ્રણીઓ સાથેની અમે એક કમિટી બનાવી છે જેની કાયમી ધોરણે બેઠક મળતી હોય છે. આ બેઠકમાં આ પ્રકારની પ્રોડક્ટ્સ, તેના ભાવ, ઉપલબ્ધતા, સ્વદેશી ફોર્મ્યુલા અનુસાર તેના ભાવ સહિતની ચર્ચા કરવામાં આવે છે અને ટૂંક સમયમાં આ અંગે અમે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ધારદાર રજુઆત કરવાના છીએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમુક ચોક્કસ પ્રોડક્ટ્સ માટે આપણે સંપૂર્ણપણે ચાઈના પર નિર્ભર છીએ તો તે નિર્ભરતા દૂર કરવા આપણે તેની ફોર્મ્યુલા સમજીને ઘર આંગણે ઉત્પાદન શરૂ કરવું પડશે જેના માટે ઉદ્યોગ સાહસિકોએ તૈયારી પણ બતાવી છે અને આ કાર્યમાં સરકાર અને તેની સહાયની જરૂરિયાત પણ પડશે ત્યારે

ઉદ્યોગ સાહસિકો અને સરકાર બન્ને સાથે મળીને આ નિર્ભરતા દૂર કરી શકશે.  તેમણે અંતે કહ્યું હતું કે હાલ જે રીતે આપણે અનેકવિધ નવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે ત્યારે સરકારે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર ઉભા કરવા પડશે જ્યાં વધુમાં વધુ રિસર્ચ થાય જેથી આપણે ખૂબ ટૂંકા સમયગાળામાં આપણે આત્મનિર્ભર બની શકીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.