મેલેરિયા અને ચીકન ગુનિયાનો પણ એક-એક કેસ, શરદી-ઉધરસના 258, સામાન્ય તાવના 44 અને ઝાડા-ઉલ્ટીના 71 કેસ નોંધાયા: મચ્છરોની ઉત્પતિ સબબ 1074 આસામીઓને નોટિસ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના લાખ પ્રયાસો છતાં રોગચાળો કાબૂમાં આવવાનું લેતો નથી. ગત સપ્તાહે ડેન્ગ્યૂના નવા 13 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયા અને ચીકન ગુનિયાના પણ એક-એક કેસ નોંધાયા છે. મચ્છરોની ઉત્પતિ સબબ 1074 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત સપ્તાહે મેલેરિયાનો નવો એક કેસ નોંધાયો છે. જ્યારે ચીકન ગુનિયાનો પણ એક કેસ મળી આવ્યો છે.
ડેન્ગ્યૂના નવા 13 કેસ નોંધાયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના કુલ 224 કેસ નોંધાઇ ચુક્યા છે. શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 258 કેસ, સામાન્ય તાવના 44 કેસ, ઝાડા-ઉલ્ટીના 71 કેસ નોંધાયા છે. રોગચાળાની અટકાયત માટે 81,556 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત 2330 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ સહિત કુલ 776 સ્થળોએ મચ્છરની ઉત્પતિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોમર્શિયલ હોય તેવી 101 મિલકતોના આસામીઓને મચ્છરની ઉત્પતિ સબબ નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે રહેણાંક હેતુની 973 મિલકતોને નોટિસ આપવામાં આવી છે.