કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદના કારણે પમ્પીંગ સ્ટેશનો પર વીજળી ગૂલ થઇ જવાના કારણે રૈયાધાર અને ગુરૂકુળ ઝોનમાં 3 થી 3.30 કલાક વિતરણ મોડુંg

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રવિવારે સાંજે કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના કારણે વીજળી ગૂલ થઇ જવા પામી હતી. જેના કારણે રાજકોટને નર્મદાના અને ભાદર ડેમના પાણી પર્યાપ્ત માત્રામાં ન મળવાના કારણે આજે શહેરના 6 વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી હતી. રૈયાધાર અને ગુરુકુળ ઝોન હેઠળના 6 વોર્ડમાં નિર્ધારિત સમય કરતાં 3 થી 3.30 કલાક પાણી વિતરણ મોડું કરવાની ફરજ પડી હતી. સતત પાણીના ધાંધીયાના કારણે ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઇકાલે રાજકોટ તથા આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ જવા પામ્યા હતા અને વીજળી પણ ગુલ થઇ હતી. ભાદર ડેમથી રાજકોટ તરફ પાણી પહોંચાડતી પાઇપલાઇનના ગોંડલ નજીકના પમ્પીંગ સ્ટેશન ખાતે બે વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જેના કારણે વીજ પૂરવઠો ખોરવાઇ ગયો હતો. આ વૃક્ષો હટાવવા અને વીજ પૂરવઠો ફરી નિયમિત કરવા માટે 3 કલાક જેટલો સમય વીતી ગયો હતો. જેના કારણે રાજકોટને ભાદરના 6 એમએલડી પાણી ઓછા મળ્યા હતા. જેની અસર આજે ગુરુકુળ ઝોન હેઠળ આવતા વોર્ડ નં.7, 14 અને 17ના ઢેબર રોડ સાઇડના વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતાં અંદાજે 3 કલાક મોડું પાણી વિતરણ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત જીડબલ્યૂઆઇએલના હડાળા પમ્પીંગ સ્ટેશન પર વીજ પૂરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. જેના કારણે રાજકોટને 16 એમએલડી નર્મદાના નીર ઓછા મળ્યા હતા. જેની અસર રૈયાધાર ઝોન હેઠળ આવતા વોર્ડ નં.1, 9 અને 10ના વિસ્તારો પર પડી હતી. અહિં 9.30થી પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું હતું. 3 કલાક સુધી પાણી બંધ રખાયા બાદ ફરી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.