રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક
ચુંટણી અધિકારી મેયર ડો.પ્રદિપ ડવે પ્રસિદ્વ કર્યો એજન્ડા: નામો નક્કી કરવા આજે શહેર ભાજપ સંકલન સમિતિની બેઠક
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની આગામી સોમવારે ચુંટણી યોજાશે. ચૂંટણી અધિકારી એવા મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા આજે એજન્ડા પ્રસિદ્વ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન બંને પદ માટે નામોની પેનલ બનાવવા આજે સાંજે શહેર ભાજપ અધ્યક્ષ મુકેશ દોશીના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળે તેવી સંભાવના જણાઇ રહી છે.
ભ્રષ્ટાચાર અને જૂથવાદના આક્ષેપો પ્રદેશ કક્ષાએ પહોંચતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત તમામ 15 સભ્યોના રાજીનામા લઇ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ નવી સમિતિના ગઠન માટે ચૂંટણી યોજવામાં આવી હતી. શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ઇશ્ર્વરભાઇ જીત્યા, હિતેશભાઇ રાવલ, સંગીતાબેન છાંયા, મનસુખભાઇ વેકરિયા, પ્રવિણભાઇ નિમાવત, વિક્રમભાઇ પુજારા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઇ સાંબડ, રસિકભાઇ ભદ્રકીયા, અજયભાઇ પરમાર, જાગૃત્તિબેન ભાણવડીયા અને સુરેશભાઇ રાઘવાણી ચૂંટાઇ આવ્યા હતા. જ્યારે સરકાર દ્વારા રાજેશભાઇ માંડવિયાની સરકારી સદસ્ય તરીકે અને જયદીપભાઇ જલુ તથા જગદીશભાઇ ભોજાણીની બિન સરકારી સદસ્ય તરીકે નિયુક્તી કરવામાં આવી હતી. તાજેતરમાં તમામ સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિદ્વ થઇ ગયા છે.
દરમિયાન ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક કરવા માટે આગામી સોમવારે સવારે 11:00 કલાકે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ રૂમ ખાતે ચૂંટણી યોજાશે. જેમાં પ્રદેશમાંથી બંધ કવરમાં આવેલા નામોની શહેર ભાજપ પ્રમુખ દ્વારા ઘોષણા કરવામાં આવશે. સામાન્ય રીતે શહેર ભાજપ સંકલન સમિતિની બેઠકમાં અલગ-અલગ પદ માટે ત્રણ કે ચાર-ચાર નામની પેનલ બનાવી પ્રદેશ હાઇકમાન્ડને મોકલવામાં આવતી હોય છે. શિક્ષણ સમિતિના ચેરમેન પદ માટે હાલ ત્રણ નામો ચર્ચામાં છે. જેમાં વિક્રમભાઇ પુજારા, પ્રવિણભાઇ નિમાવત અને રસિકભાઇ ભદ્રકીયાના નામો ચર્ચાઇ રહ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન પદ મહિલાને અપાઇ તેવી શક્યતા હાલ દેખાઇ રહી છે. વાઇસ ચેરમેન પદ માટે સંગીતાબેન છાંયા અને જાગૃત્તિબેન ભાણવડીયા પ્રબળ દાવેદાર છે. જો કે, સ્થાનિક હોદ્ેદારો દ્વારા પ્રદેશમાં જે નામ પેનલ તરીકે મોકલવામાં આવે છે. તેની બહારના નામ અંગે પણ પ્રદેશ હાઇકમાન્ડ વિચાર કરે છે. ચેરમેન પદ સરકાર નિયુક્ત ત્રણ સહિત કોઇપણ 15 સભ્યોને આપવામાં આવે તેવી શક્યતા પણ જણાઇ રહી છે.
આવતા મહિને કોર્પોરેશનના મેયર સહિતના તમામ પાંચેય પદાધિકારીઓની મુદ્ત પૂર્ણ થઇ રહી હોય સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંકમાં આ બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી માટેની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય સળવળાટ ફરી શરૂ થયો છે.