રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સતત વધતા કોવિડના પગલે કચેરીના સભા ખંડમાં નહીં પરંતુ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત રહેનાર તમામ સભ્યોનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને નેગેટીવ સભ્યને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. સરકારની ગાઈડલાઈન મુજબ સામાન્ય યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતની 8 સમીતીની રચના કરવામાં આવી હતી અને તમામ 8 સમીતીના ચેરમેનની પણ વરણી કરવામાં આવી હતી. સામાન્ય સભામાં કારોબારી સમીતી, સામાજીક ન્યાય સમીતી, શિક્ષણ સમીતી, જાહેર આરોગ્ય સમીતી, અપીલ સમીતી, જાહેર બાંધકામ સમીતી, મહિલા અને બાળ વિકાસ સમીતી, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમીતીની રચના કરવામાં આવી હતી અને ચેરમેન પણ નિમવામાં આવ્યા હતા.
કારોબારી સમીતીના ચેરમેન તરીકે સહદેવસિંહ રેવતુભા જાડેજા, સામાજીક ન્યાય સમીતીના ચેરમેન તરીકે મોહનભાઈ ભાણાભાઈ દાફડા, શિક્ષણ સમીતીના ચેરમેન તરીકે ગીતાબેન ધર્મેશભાઈ ટીલાળા, જાહેર આરોગ્ય સમીતીના ચેરમેન તરીકે જ્યોત્સનાબેન જેન્તીભાઈ પાનસુરીયા, અપીલ સમીતીના ચેરમેન તરીકે ભુપતભાઈ બોદર, જાહેર બાંધકામ સમીતીના ચેરમેન તરીકે પ્રવિણભાઈ ગોગનભાઈ ક્યાડા, મહિલા અને બાળ વિકાસ સમીતીના ચેરમેન તરીકે સુમિતાબેન રાજેશભાઈ ચાવડા અને ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમીતીના ચેરમેન તરીકે જયંતિભાઈ મોહનભાઈ બરોચીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.આ ઉપરાંત સામાન્ય સભામાં પ્રશ્ર્નો તથા ગત સામાન્ય સભામાં બાકી રહેલા કામોને બહાલી અપાઈ હતી તેમજ અગાઉના નિર્ણયો પર લીધેલા પગલાઓના અહેવાલ અને પંચાયતે વિચારણા માટે જણાયેલી બાબતો અંગે બહાલી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તથા આવક અને ખર્ચના વિવરણ પત્રકો મંજૂર કરવા માટે પણ બહાલી અપાઈ હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી જે રીતે ચાલી રહી છે ત્યારે સરકારની કોવિડની ગાઈડ લાઈનને અનુસરી આજની સાધારણસભામાં અલગ અલગ છ સમીતીના ચેરમેન તેમજ સભ્યોની વરણી કરવામાં આવી હતી. હાલની સ્થિતિ ધ્યાને લઈ જિલ્લા પંચાયત તંત્રની કામગીરી પુરજોશમાં ચાલે તે માટે સાધારણ સભા યોજવામાં આવી હતી. જિલ્લા પંચાયત તંત્ર સાથે આજદિન સુધી સતત લોકો વચ્ચે દોડતું રહ્યું છે. ખાસ તો ગ્રામ્ય વિસ્તારના લોકો જરૂરીયાત વગર ઘરની બહાર ન નીકળે અને પોતાને કોરોનાની મહામારીથી બચાવે. શકય હોય તો ગ્રામ્ય વિસ્તારો સ્વયંભુ લોકડાઉનની પાલન કરે. દરેક ગામમાં વધુને વધુ ટેસ્ટીંગ થાય તે જ અમારો પ્રયત્ન છે.
જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અર્જુનભાઈ ખાટરીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક રચનાત્મક વિપક્ષ તરીકે સકારાત્મક વલણ દાખવી ઓછા સમયગાળામાં લોકો ઓછામાં ઓછા સંક્રમીત થાય તેના અનુસંધાને ટૂંક સમયમાં જ સામાન્ય સભા પૂર્ણ થાય તેવા પ્રયત્નો હતા. સાથો સાથ સમગ્ર 36 જિલ્લા પંચાયતના સભ્યો જે ચૂંટાઈને આવ્યા છે તેઓ સ્વભંડોળ ગ્રાન્ટમાંથી આરોગ્ય વિભાગ માટે કોરોના ટેસ્ટીંગ, કીટ વિતરણ, ઓક્સિજન મશીન અને વેન્ટીલેટર માટે ગ્રાન્ટ ફાળવે તેવી જ મારી અપીલ છે.