તસ્કરો પાસેથી પોલીસે બે મિલર, સોના-ચાંદીના ઘરેણા, બાઇક અને રોકડ કબ્જે કરાય
શહેરના જુદા જુદા આઠ જેટલા સ્થળોએ થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા નવ જેટલા શખ્સની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી બે મિલર, સોના-ચાંદીના ઘરેણા, બાઇક અને રોકડ કબ્જે કરવામાં આવ્યા છે.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પોલીસ સ્ટાફ દ્વારા શરૂ કરાયેલા સઘન ચેકીંગ કાર્યવાહી અને પેટ્રોલિંગ દરમિયાન જુદા જુદા વિસ્તારમાં થયેલી ચોરીના ગુનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. તેમજ અગાઉ થયેલી ચોરીના ગુનામાં સંડોવણી બહાર આવ્યા બાદ લાંબા સમયથી નાસતા ફરતા તસ્કરોને ઝડપી લેવાની ઝુંબેશ અંતર્ગત ગઇકાલે એક જ દિવસમાં નવ જેટલા તસ્કરોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.
ગોંડલ રોડ પર કોઠારિયા સોલવન્ટ પાસે બંધ મકાનના તાળા તોડી રૂ.1.34 લાખની મત્તાની થયેલી ચોરી અને વૃધ્ધની મરણ મુડીના રૂ.13 હજારની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આજી ડેમ પોલીસે કોઠારિયા સોલવન્ટ વિસ્તારના શિતળાધાર મફતીયાપરાના ભરત પોપટ પરમાર, પંડિત દિનદયાલ ત્રણ માળીયા કવાર્ટરના સમીર અબ્દુલ ઠેબા અને જંગલેશ્ર્વરના અરમાન કાસમ સંધી નામના શખ્સોની ધરપકડ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.27 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા શ્રીરામ પાર્ક મેઇન રોડ પર આવેલા કૌશલ હાર્ડવેર દુકાનમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા જિલ્લા ગાર્ડન ચોક નજીક લલુડી વોકળી પાસે રહેતા રાજન મુકેશ લાલકીયા નામના શખ્સને આજી ડેમ પોલીસે ધરપકડ કરી બાઇક કબ્જે કર્યુ છે.
દુધ સાગર રોડ પર આવેલા લાખાજીરાજ સોસાયટીના ઇરફાન સુલતાન ખોખર અને ગોંડલના શબ્બીરશા હબીબશા ફકીર નામના શખ્સો ચોરાઉ રિક્ષા સાથે ભાવનગર રોડ પર રાજમોતી ઓઇલ મિલ પાસેથી પસાર થતા હોવાની બાતમીના આધારે ડીસીપી ઝોન-1 એલ.સી.બી.ટીમના સ્ટાફે બંનેની ધરપકડ કરી તેની પાસેથી ચોરાઉ રિક્ષા અને બે મોબાઇલ કબ્જે કર્યા છે.
ભક્તિનગરમાં રહેતા અંકુર ધીરૂ પાંભર અને કોઠારિયા રીંગ રોડ પર રહેતા સુભાષ મેરામ ડાંગર નામના શખ્સોને મવડી બાપા સિતારામ ચોક પાસેથી તાલુકા પોલીસ સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા બંને શખ્સોએ પંદર દિવસ પહેલાં ખોખરદડી નદીના પુલ પાસેથી અને બાપા સિતારામ ચોક પાસેથી બાંધકામના ઉપયોગમાં આવતા બે મિલરની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે બંને તસ્કરો પાસેથી બે મિલર, રિક્ષા અને બાઇક કબ્જે કર્યા છે.
નવાગામ આણંદપર ખાતે આવેલા સાઉથ ઇન્ડિયન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દસ માસ પહેલાં થયેલી રૂા.10.92 લાખની ચોરીના ગુનામાં સંડોવાયેલા ભાવનગર રોડ પર ઘાચીવાડના ગુલામફરીદ મહંમદ બીલખીયા નામના શખ્સને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી છે.ગુલામફરીદ આ પહેલાં વલ્લભીપુર અને વલસાડમાં દારૂના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી.