સામાન્ય દિવસોમાં 18 વોર્ડમાંથી સરેરાશ 625 ટન જેવો કચરો નિકળે છે, દિવાળીના સફાઈના લીધે કચરાનો નિકાલ 730 ટનથી વધુ
હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર એવા દિવાળીના દિવસોમાં લોકો હોંશભેર નિવાસ સ્થાન અને વ્યવસાયીક સ્થળોની સફાઈ કરતા હોય છે. છેલ્લા કેટલાંક દિવસથી દિવાળીની સફાઈ કામગીરી પુરજોશમાં શરૂ થઈ ગઈ હોવાના કારણે દૈનિક નિકળતા કચરામાં 100 ટનનો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમ-જેમ દિવાલીના દિવસો નજીક આવતા જશે તેમ તેમ કચરાનું પ્રમાણ પણ વધતું જશે.
જો કે, તહેવાર પૂર્ણ થતાંની સાથે જ ફરી કચરા નિકાલની ગાડી પાટે ચડી જશે.કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સામાન્ય દિવસોમાં શહેરના 18 વોર્ડમાંથી સરેરાશ 625 થી 630 ટન જેવા કચરાનો નિકાલ થતો હોય છે. પરંતુ દિવાળીના તહેવારોમાં લોકો ઘર અને દુકાનોની સાફ-સફાઈ કરતા હોવાના કારણે કચરા નિકાલનું પ્રમાણ વધ્યું છે.
છેલ્લા ચારેક દિવસથી સરેરાશ 100 ટન વધુ કચરો નિકળી રહ્યો છે. હાલ દૈનિક સરેરાશ 730 થી 740 ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેમ જેમ દિવાળીના દિવસો નજીક આવશે તેમ તેમ કચરા નિકાલનું આ પ્રમાણમાં વધારો થશે.