નવી કોર્ટ બીલ્ડીંગ ખાતે વકીલોની સગવડતા અને કોર્ટ રૂમમાં વકીલો સાથે વર્તન સહિતના મુદ્દે બાર એસોસીએશન આકરા પાણીએ
ડિસ્ટ્રીકટ જજના તા. 18/10/21 ના પરિપત્રની વકીલોએ કરી હોળી: કોર્ટ કમ્પાઉન્ડ ખાતે તમામ એડવોકેટ એક જુટ
રાજકોટ શહેરમાં બાર અને બેન્ચ વચ્ચે ચાલતા વિવાદ અને વકીલોને પડતી મુશ્કેલી તેમજ તા.18/10/21નો પરિપત્ર રદ કરવા બાર એસોશીએશનની નવનિયુક્ત ટીમ દ્વારા ડિસ્ટ્રીક્ટ જજ અને યુનીટ જજને લખેલા પત્ર બાદ ઉકેલ નહી આવતા આજે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેતા હતા. કોર્ટની કામગીરી ઠપ રહી હતી. કોર્ટ કમ્પાઉન્ડમાં વકીલોએ મોટી સંખ્યામાં એકત્રીત થઈ પરિપત્રની હોળી કરી સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
વધુ વિગત મુજબ રાજકોટ ડિસ્ટ્રીક્ટ જજ દ્રારા તા.18/10/21ના રોજ કરેલો પરિપત્ર રદ કરવા અને વકીલો સાથે વર્તન, વ્યવહાર જળવાય રહે અને વકીલોને પડતી મુશ્કેલી અંગે રાજકોટ બાર એસોશીએશન દ્વારા ડિસ્ટ્રક્ટ જજ અને હાઇકોર્ટના યુનિટ જજને પત્ર લખી ઘટતું કરવા માંગ કરી હતી.
શહેરના જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર નજીક નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગ માં વકીલો માટેની વ્યવસ્થા,કોર્ટ રૂમમાં વકીલો સાથે ન્યાયાધીશના વર્તન મામલે ઘણા સમયથી ધારાશાસ્ત્રીઓમાં નારાજગી રહી છે, પરિપત્ર પરત ન ખેચાતા અને વકીલોને કોર્ટમા પડતી મુશ્કેલી સહિતના મુદ્દે હાઈકોર્ટ અને તંત્રનુ ધ્યાન દોરવા છતા કોઈ કાર્યવાહી ન.કરતા હોવાથી રાજકોટ બાર એસો. દ્વારા ગત તા. 18 ના રોજ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં તારીખ 21 ને મંગળવારના રોજ કોર્ટ કાર્યવાહીથી અલીફ રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વકીલોઓએ આજે તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા.
આજે સિવિલ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે વકીલોએ મોટી સંખ્યામાં એકત્રીત થઈ ડિસ્ટ્રીકટ જજ દ્વારા કરવામાં આવેલા પરિપત્રની હોળી કરી સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અડધા રહ્યા હતા અને કોર્ટ કામગીરી માટે આવતા અસિલોને સમજાવી પરત મોકલ્યા હતા. સેશન્સ કોર્ટ, નીચેની કોર્ટ અને ફેમિલી કોર્ટ ,સહિતની તમામ અદાલતોમાં વકીલો કામગીરીથી અળગા રહેતા કામગીરી જોવા મળી હતી. આ અંગે ભાવી પગલા લેવા માટે આગામી તા.23/3/2023 ના રોજ બાર એસોસીએશન દ્વારા જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે.
આ તકે રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ લલીતસિંહ જે. શાહી, પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ એસ. પટેલ, ઉપ પ્રમુખ એન, જે.પટેલ, સેક્રેટરી દિલીપભાઈ એન. જોષી, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રસિહ.એફ.રાણા, ટ્રેઝરર કિશોરભાઈ આર. સખીયા, લાયબ્રેરી સેક્રેટરી જયદેવભાઈ જી.શુક્લ, કારોબારી સભ્ય જીજ્ઞેશ એમ.જોષી, તુલસીદાસ બી. ગોંડલીયા, મહર્ષીભાઈ સી, પંડયા, જયંતકુમાર વી. ગાંગણી, ગીરીટભાઈ કે. ભટ્ટ, જી.એલ રામા, જી.આર.ઠાકર, બીપીનભાઈ એચ. મહેતા, બીપીનભાઈ આર. કોટેચા અને રંજનબા ટી. રાણા સહિત બાર એસો.નાં હોદેદારો હાજર રહ્યા હતા. જ્યારે દિલીપ પટેલ ,ભાગીરથસિંહ ડોડીયા, તુષાર ગોકાણી, શ્યામભાઈ સોનપાલ, અશોકસિંહ વાઘેલા, અંશ ભારદ્વાજ, સમીર ખીરા, કુલદિપસિંહ જાડેજા, રાજેશભાઇ મહેતા, જયેન્દ્ર ગોંડલીયા, તુષાર બસલાણી, સહિતના સિનિયર જુનિયર વકીલોએ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવી વકીલો સાથે હોવાનો ટેકો જાહેર કર્યો હતો.
કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના એલાનને તમામ બારનો ટેકો
રાજકોટ ડીસ્ટ્રીકટ જજનાં પરિપત્રના વિરોધમાં રાજકોટ બાર એસોસિયેશનનાં તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રેહવાનાં ઠરાવને રાજકોટ તાલુકાના ગોંડલ, પડધરી ,જસદણ, લોધીકાના બાર એસોસિએશન અને રાજકોટના એમ.એ.સી.પી. બાર, રેવન્યુ બાર, રેવન્યુ પ્રેક્ટીસનર્સ બાર, લેબર બાર, ક્રિમિનલ બાર, લેડી લોયર્સ એસોસીએશન સહિતના તમામ વકીલ મંડળોએ ટેકો જાહેર કર્યો છે. રાજકોટ બાર એસોસીએશનની કાનૂની લડતને ટેકો આપનાર તમામ બાર એસોસીએશનનો રાજકોટ બાર એસોસીએશને આભાર વ્યક્ત કર્યો છે.