ર1 માર્ચથી દુધ મંડળીઓ કિલો ફેટના રૂ.790 ચૂકવશે-માવઠાના વાતાવરણમાં પશુપાલકોને મદદરૂપ થવા સંઘનો નિર્ણય: ગોરધનભાઇ ધામેલીયા
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. હાલના કમોસમી વાતાવરણને કારણે દૂધ ઉત્પાદકો ઉપર આવી પડેલ આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે રૂા.ર0/- નો ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.790/- કરવા નિર્ણય નક્કી કરેલ છે.
અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.770 ચુકવવામાં આવી રહયો છે. ગયા વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા. 700/- હતો. જેની સરખામણીએ આ જાહેરાતથી દૂધ ઉત્પાદકોન પ્રતિ કિલો ફેટના રૂા.90 વધુ મળશે. દૂધ સંઘ દ્વારા તા. ર1/03/ર0ર3 થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂા. 790/- ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા. 785/- ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ 50 હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. આ જાહેરાત દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા તરફથી કરવામાં આવેલ છે.