ભુજ વાયરલેસના ફોજદારને એક દિવસના રિમાન્ડ પર સોંપાયા
યુનિવર્સિટી રોડ પર ગઈકાલે સાંજે ભુજ ખાતે વાયરલેસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા લક્ષ્મીનારાયણ શંભુપ્રસાદ વ્યાસ (ઉ.વ.56, રહે. ટીટોળીયા કવાર્ટર, મુંજકા)એ નશામાં ધૂત બની કારથી એક કિશોરીને ઠોકર મારતા નાશભાગ મચી ગઈ હતી. યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવી કાર્યવાહી હાથધરી છે.
વિગતો.મુજબ યુનિવર્સિટી સ્ટાફ કવાર્ટરમાં રહેતી પ્રગતિના પિતા હરેશભાઈ ચૌહાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓડિટ વિભાગમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. ગઈકાલે સાંજે પ્રગતિ સાઈકલ લઈને પુષ્કરધામ મેઈન રોડ પર રહેતી બહેનપણી ઈશાના ઘરેથી પોતાના ઘરે જતી હતી ત્યારે બી. ટી. સવાણી હોસ્પિટલ પાસે પાછળથી પૂરપાટ વેગે ઘસી આવેલા આરોપીએ પોતાની સ્વીફટ કાર હડફેટે લેતા પ્રગતિસાઈકલ પરથી ફંગોળાઈ ગઈ હતી. તેની કોણીના ભાગે અને પગના ઘુંટણમાં ઈજા થઈ હતી.
જયારે સાઈકલનો બુકડો બોલી ગયો હતો.આ અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. તે વખતે કાર ચાલક લથડીયા ખાતો મળી આવ્યો હતો. એટલું જ નહી સરખી રીતે ઉભો પણ રહી શકતો ન હતો. તેના મ્હોમાંથી દારૂની વાસ આવતી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર ચાલકની અટકાયત કરી તેને પોલીસ મથકે લઈ ગઈ હતી.જ્યારે જાણવા મળ્યું હતું કે આરોપી પોતે બુજમાં વાયરલેસ પીએસઆઇ છે.હાલ તેને એક દિવસના રિમાન્ડ પર લઈ તપાસ હાથ ધરી છે.