હોટલના રૂમમાંથી યુવક-યુવતી અને પેડલર મેફેડ્રોન ડ્રગ્સના ઇન્જેકસન સાથે ઝડપાયા હતા
રાજકોટ ક્રિકેટર ડ્રગ્સ પાર્ટી પ્રકરણમાં એફએસએલ રિપોર્ટ આવતા પોલીસે અંતે દંપતી સહીત ત્રણ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે
માહિતી મુજબ આકાશ મનોજભાઇ અંબાસણા, આકાશની પૂર્વ પત્ની અમી અને ઘાંચીવાડમાં રહેતો ડ્રગ્સ પેડલર ઇરફાન અબ્બાસ પટ્ટણીને રેસકોર્સ રિંગ રોડ પર આવેલી શિવશક્તિ હોટેલના રૂમ નં. 301માંથી નશીલા દ્રવ્યો ભરેલા બે ઈન્જેક્શન, એક ખાલી ઇન્જેક્શન તેમજ ત્રણેએ તેનો નશો કરેલી હાલતમાં તા.22-10ના રોજ મળી આવ્યા હતા. પોલીસે તે સમયે નશીલા દ્રવ્યો કબજે લઇ ત્રણેયના બ્લડ સેમ્પલ મેળવી ગાંધીનગર એફએસએલ ખાતે પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા.
21 દિવસ બાદ ત્રણેયના બ્લડ સેમ્પલમાં મેફેડ્રોન નામના નશીલા દ્રવ્યનું સેવન કર્યાનું તેમજ તે માદક પદાર્થ મેફેડ્રોન હોવાનો રિપોર્ટ આવ્યો હતો.જેથી પોલીસે યુવતી સહિત ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. પકડાયેલા ત્રણ પૈકી મેફેડ્રોનના ઇન્જેક્શન ઘાંચીવાડનો ઇરફાન પટ્ટણી લઇ આવ્યો હોય તે નશીલા દ્રવ્યો ક્યાંથી, કોની પાસેથી લઇ આવ્યો તે સહિતની વિગતો બહાર લાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામા આવી છે.