અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને કોરોના વાઈરસથી સુરક્ષિત કરવાના ઉમદા હેતુ સાથે ફરી એક વખત આજે શહેરમાં આરોગ્ય કેન્દ્રો ખાતે તેમજ ડોર ટુ ડોર કોરોના વેક્સિનેશન ડ્રાઈવ યોજવામાં આવેલ છે. જેમાં પ્રથમ ડોઝની સાથોસાથ જે લોકોને બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો છે તેવા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 60 વર્ષથી મોટા નાગરિકોને વેક્સિનનો પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવી રહયો છે. આજે બપોરે 01:00 વાગ્યા સુધીમાં 10,199 નાગરિકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે અને સાંજ સુધી કામગીરી ચાલશે.
આ ડ્રાઈવ દરમ્યાન તમામ આરોગ્ય કેન્દ્રોની સાથોસાથ આરોગ્ય શાખાનો મેડિકલ સ્ટાફ ડોર ટુ ડોર (ઘેર ઘેર જઈને) કેમ્પેઈન કરીને વેક્સિનેશનની કામગીરી કરી રહ્યા છે. આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ બે આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈને વેક્સિનેશન ડ્રાઈવની કામગીરીની સમીક્ષા કરી હતી. કમિશનરએ અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર અને ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી. આ આરોગ્ય કેન્દ્રોની ટીમો દ્વારા થઇ રહેલ ફીલ્ડ વર્ક (વેક્સીનેશન)ની પણ સમીક્ષા કરી હતી.
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ બે આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા કરી
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એમ જણાવ્યું હતું કે, જે નાગરિકોએ વેક્સિન લેવાની બાકી હોય તેઓએ પોતાના અને સામે વાળા લોકોના સ્વાસ્થ્યના પણ હિતમાં તુર્ત જ વેક્સિન લઈ લેવી જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને કોરોના સામે સુરક્ષિત કરવાના ઉમદા હેતુ સાથે આજે ડોર ટુ ડોર વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં લોકોનો સહયોગ ખુબ જ જરૂરી છે. પ્રથમ ડોઝ લેવામાં બાકી હોય કે, બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો હોય તેઓએ તેમજ 60 વર્ષ કે તેથી મોટા સિનિયર સિટિઝન તુર્ત જ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લઈ લે તેવી જાહેર અપીલ કરવામાં આવે છે. શહેરમાં સંપૂર્ણ વેક્સિનેશન થવાથી કોરોના વાઈરસ સામે લડવામાં સરળતા રહેશે.