‘ઓનલાઇન’ બિઝનેસના કારણે 50 ટકા ઘટ્ટ
આજે સવારે પડેલી ઝાકળ શિયાળાના આગમનની છડી પોકારી દીધી છે. દિવસે તો હજુ ઠંડીનો અહેસાસ થતો નથી પરંતુ મોડીરાતે ગરમ સ્વેટર અને ટોપી પહેરવા પડે એવી ઠંડીની શરૂઆત થઇ છે. શિયાળાની આલબેલ પોકારતી ઠંડીને પગલે ગરમ કપડાનું માર્કેટમાં ‘ગરમી’ ચાલી છે. રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી શિયાળા પૂર્વે તિબેટીયનો ગરમ કપડાનું વેંચાણ કરવા આવે છે. ઢેબર રોડ પર મેસોનિક હોલ એટલે કે ભૂતખાના ચોકમાં ગરમ વસ્ત્રો લઇને આવી પહોંચ્યા છે. છેલ્લા 40 વર્ષથી ગરમ વસ્ત્રો વેંચવા આવતા કેટલાક તિબેટીયનોએ વોટર્સ આઇ.ડી. પણ મળી ગયા છે. લાંબા સમયથી રાજકોટ આવતા તિબેટીયનો હવે તો ગુજરાતી બોલી પણ શકે છે અને સમજી પણ શકે છે એટલું જ નહી. દેશના લગભગ દરેક રાજ્યમાં તિબેટીયનો ગરમ વસ્ત્રો વેંચવા દર વર્ષે પહોંચી જાય છે.
આ વર્ષે શિયાળો જામવાનો છે. તેવી હવામાન ખાતાની આગાહી સાથે લોકો પણ સજ્જ થવા લાગ્યા છે. દરમિયાન રાજકોટ આવેલા તિબેટીયનના અગ્રણી છોનજેએ ‘અબતક’ને એવું જણાવ્યું હતું કે અમારી પાસે ગરમ વસ્ત્રોમાં વેરાઇટી અને ક્વોલિટી હોવા છતાં આજે 50 ટકા માર્કેટ ઓનલાઇન બિઝનેસના કારણે ઘટી ગયું છે. ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તર ભારત, દક્ષિણ ભારત એમ લગભગ રાજ્યોમાં વસવા લાગેલા તિબેટીયનો વર્ષમાં એકવાર હિમાચલ પ્રદેશના ‘ધર્મશાલા’ ખાતે ધર્મગુરૂ દલાઇ લામાના દર્શન કરવા અવશ્ય જાય છે. ભારત અને તિબેટ વચ્ચે થયેલા કરારના કારણે તિબેટીયનો દેશના અલગ-અલગ રાજ્યોમાં વેંચાણ કરવા આવી શકે છે. રાજકોટ શહેરની પ્રજા તિબેટીયનોને શાંતિપ્રિય લાગે છે અને પ્રેમાળ પણ લાગે છે.