Rajkot : દિવાળી પર્વ નજીક આવતા રાજકોટમાં આવેલા વિવિધ માર્કેટ યાર્ડમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. તેમજ દિવાળી પર્વને લઈ રાજકોટ માર્કેટ યાર્ડમાં 5 દિવસનું મીની વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું. ત્યારે આ દિવસોમાં કોઈ પણ જણસીની હરાજી કરવામાં આવશે નહીં. ત્યારે કયા દિવસથી યાર્ડ બંધ રહેશે અને ક્યારે ખુલશે તે અહીં જાણીએ.
દિવાળી પર્વને લઈ રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા પરિપત્ર બહાર પાડી રજાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ યાર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ દિવાળી અને નુતનવર્ષ નિમિત્તે માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણનું હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવશે. આ દરમિયાન તારીખ 30 ઓક્ટોબરથી 5 તારીખ સુધી માર્કેટ યાર્ડ બંધ રહેશે. જેથી આ દિવસો દરમિયાન ખેડૂતોનો માલ લાવવામાં કે તેની હરાજી કરવામાં આવશે નહીં.
પરિપત્ર મુજબ રાજકોટનું મુખ્ય યાર્ડ બેડી યાર્ડ 30 તારીખથી 5 તારીખ સુધી બંધ રહેશે. તેમજ શાકભાજી વિભાગ 1લી નવેમ્બરથી 5 તારીખ સુધી બંધ રહેશે. આ ઉપરાંત બટાકા વિભાગ 1લી ઓક્ટોબરથી 4 તારીખ સુધી બંધ રહેશે. ડુંગળી વિભાગ 30 તારીખથી 5 તારીખ સુધી બંધ રહેશે. જ્યારે ઘાસચારા વિભાગ 31 તારીખથી 4 તારીખ સુધી બંધ રહેશે.
કપાસની આવક વધી
યાર્ડમાં કપાસની 8000 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ કપાસના ખેડૂતોને 1310 થી 1560 રૂપિયા ભાવ મળ્યા હતા. તેમજ ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
સોયાબીનની આવક
યાર્ડમાં આજે સોયાબીનની 10 હજાર ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણના ખેડૂતોને 765થી 870 રૂપિયા ભાવ મળ્યો હતો.