પેન્શન કેસમાં લાંચ માંગ્યા બાદ ઝડપાઈ ગયેલા અધિકારીએ ૭–એજન્સીઓ સાથે મિલિભગત કરી કૌભાંડ આચર્યું હતું: હજુ તપાસ ચાલુ
ચાલુ સપ્તાહના પ્રારંભે જ નર્મદાની સબ માઈનોર કેનાલની પાઈપ લાઈન બિછાવવામાં કૌભાંડ આચરાયાનો પર્દાફાશ ખુદ સૌરાષ્ટ્ર નર્મદા ડિવિઝનના વિજીલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો. રાજકોટ સહિતના ડિવિઝનોમાં પાઈપ લાઈન નાખ્યા વિના જ બીલ વસુલી લેવાયા હતા અને પાઈપ લાઈન નાખ્યા વીના જ ૬૬.૩૩ કરોડના બીલના ચુકવણા થઈ ગયા હોવાનો પર્દાફાશ થયો હતો. દરમિયાન આ અંગે નર્મદા નીગમના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આ પાઈપ લાઈન કૌભાંડના મુળમાં નર્મદાના જ ધ્રાંગધ્રા ડિવિઝનના કાર્યપાલક ઈજનેર એમ.ડી.પટેલ મુળમાં સંડોવાયા હોવાનું બહાર આવ્યું છે અને આ કાર્યપાલક ઈજનેરને હાલમાં સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગત ૧૪ નવેમ્બર દરમિયાન ધ્રાંગધ્રા સબ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર નર્મદા નીગમના એક કર્મચારીના પેન્શન કેસમાં લાંચમાં ઝડપાઈ ગયા હતા. તેઓના ઝડપાયા બાદ એસીબી દ્વારા તેઓના વાપી બાજુના નિવાસ સ્થાને સર્ચ હાથ ધરવામાં આવેલ હતું. જેમાં નિર્ધારીત આવક કરતા રૂ.૪૫ લાખથી વધુ રકમ હાથ લાગી હતી.
દરમિયાન આ અંગે નર્મદા નિગમને જાણ થતાં આ અંગે નર્મદા વીજીલન્સને તપાસ સોંપવામાં આવેલ હતી. આ તપાસ દરમિયાન કાર્યપાલક ઈજનેર એમ.ડી. પટેલે પાઈપ લાઈન નાખનારી જુદી જુદી એજન્સીઓ સાથે મીલીભગત કરી અને સરકારી રેકોર્ડમાં ચેડા કરી રૂપિયા ૬૬ કરોડથી વધુની ગોલમાલ કરી હોવાનું બહાર આવેલ હતું. નર્મદા નિગમના સુત્રોના જણાવ્યાનુસાર આ કૌભાંડમાં ઓવર પેમેન્ટ અંતર્ગત રાજકોટની બે એક સુરેન્દ્રનગરની, એક અમદાવાદ, એક સોનગઢ અને એક પાટણની એજન્સીઓને પાઈપ લાઈન પાથર્યા વીના જ કરોડોના પેમેન્ટ ભેળવી લેવા માટે રીકવરીની નોટિસો પાઠવવામાં આવી છે અને આ એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નર્મદા નીગમના ઈજનેરી સૂત્રો એવું પણ જણાવે છે કે, ધ્રાંગધ્રા વિસ્તારમાં લગભગ ૯૦ ટકા પાઈપો નખાઈ ગયા છે અને અમુક પાઈપો હજુ મીસીંગ છે તે હકીકત છે અને આ અંગે હાલમાં નર્મદાની વીજીલન્સ ઉપરાંત એસીબી દ્વારા પણ તપાસની કાર્યવાહી ચાલુ છે.