એસ.ટી.ના મુસાફરો માટે વધુ એક સુવિધા: નવી ૩૦ બસો નાના રૂટ પર દોડશે
રાજયભરમાં એસ.ટી.ના મુસાફરો માટે દિન-પ્રતિદિન સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. કહી શકાય કે હાલ, એસ.ટી. ડિવિઝનની ગાડી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધી રાજકોટ એસ.ટી.ડિવીઝનને લાંબા રૂટની ઘણી નવી બસો મળી છે ત્યારે તહેવારને ધ્યાનમાં લેતા રાજય સરકારે વધુ એક નિર્ણય રાજકોટ એસ.ટી.માટે લીધો છે. દિવાળીનો તહેવાર આવે એ અગાઉ જ રાજકોટને ૩૦ મીની બસ મળશે. કહી શકાય કે ફરીથી એસ.ટી.ના મુસાફરો માટે વધુ એક સુવિધા પ્રાપ્ત થવા જઈ રહી છે.ગુજરાત એસ.ટી.નિગમે તાજેતરમાં નવી વોલ્વો બસ શરૂ કરી છે. જેમાં અમદાવાદથી રિલાયન્સ ખાવડી તેમજ રાજકોટથી ગાંધીનગર નોનસ્ટોપ બસ ચાલુ કરવામાં આવી છે ત્યારે ફરીથી નવી ૩૦ જેટલી મીની બસ મળતા હવે રાજકોટના એસ.ટી.મુસાફરોને મુસાફરી કરવામાં સરળતા રહેશે અને વધુ સુવિધાનો લાભ પ્રાપ્ત થશે.રાજકોટ એસ.ટી.ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરો માટે સુવિધામાં દિવસેને દિવસે વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મુસાફરોની માંગણનીને ધ્યાનમાં રાખીને દિવાળીના તહેવાર પહેલા જ ડિવીઝનમાં ૩૦ નવી મીની બસો આવશે અને આ મીની બસ નાના રૂટ પર દોડશે. જેમ કે રાજકોટથી ચોટીલા, જામનગર, ગોંડલ, સુરેન્દ્રનગર, ધ્રોલ સહિતના ગામોમાં આ મીની બસો દોડાવવામાં આવશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લાંબા રૂટની બસો અગાઉથી જ ચાલુ કરવામાં આવી છે ત્યારે ટુંકા રૂટની બસો અને ખાસ તો મુસાફરીની માંગણીને લઈ આ બસો દોડાવાશે. નાની બસોમાં મુસાફરોને બધી જ પ્રકારની સવલતો મળશે. બસ હવે ટુંક સમયમાં બસો રાજકોટ આવશે અને કાર્યરત થઈ જશે.