અનડગઢના મહાકાળી મંદિર થાણાગાલોલના બૌદ્ધ વિહારને યાત્રાધામ તરીકે વિકસાવવા બહાલી
રાજકોટ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને ે યોજાઈ હતી. જેમાં જસદણમાં આવેલા ઐતિહાસિક ઘેલા સોમનાથ મંદિરનો સર્વાંગી વિકાસ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગોંડલ તાલુકાના અનડગઢના કિલ્લામાં આવેલા મહાકાળી મંદિર તેમજ થાણાગાલોલના પૌરાણિક બૌદ્ધ વિહારને યાત્રાધામ તરીકે વિકાસવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જસદણના પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ દ્વારા ઘેલા સોમનાથ મંદિરની સામે ટેકરી પર આવેલા મીનળદેવી મંદિર તેમજ તેને સંલગ્ન સુવિધાઓના વિકાસ અંગેનું નવું સૂચિત આયોજન રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેમણે નવા કાર્યોમાં ઘેલા સોમનાથ મંદિરમાં તેમજ પરિસરમાં જરૂરી રિપેરિંગ, નવું પેવિંગ, પ્રદક્ષિણા પથ તૈયાર કરવા, ધજા ચઢાવી શકાય તેવી વ્યવસ્થા, લાઇટ એન્ડ સાઉન્ડ શો, યજ્ઞશાળાનો વિકાસ, મંદિર પાસેના ત્રિવેણી ઘાટ તેમજ ગૌશાળાનો વિકાસ, ઘેલો નદી ખાતે પિતૃઓની તર્પણ સહિતની વિધિ થઈ શકે તે માટે સ્નાનઘાટ તૈયાર કરવા, વેબસાઈટને અદ્યતન બનાવવા સહિતના વિકાસકામો કરવાનો અભિપ્રાય રજૂ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર એ મંદિર, પરિસર તેમજ આસપાસના વિસ્તારનો સર્વાંગી દ્રષ્ટિકોણથી વિકાસ કરવા પર ભાર મૂક્યો હતો અને તે અંગે પ્રેઝેન્ટેશન તૈયાર કરવા સૂચના આપી હતી. ઉપરાંત સણોસરાના દરબાર ગઢ તેમજ કોટડાસાંગાણીના સ્વામિનારાયણ મંદિરના કાર્ય અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
સમિતિમાં ગોંડલ તાલુકામાં અનળગઢના કિલ્લામાં આવેલા મહાકાળી મંદિર તેમજ જેતપુર તાલુકામાં થાણાગાલોલમાં આવેલા પૌરાણિક બૌદ્ધ વિહારને યાત્રાધામ તરીકે વિકસાવવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી. જેને બહાલી આપવામાં આવી હતી. ગોંડલમાં આવેલી શેમળી નદી ખાતે રિવરફ્રન્ટ બનાવવાનું પ્રેઝેન્ટેશન પણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેના પર વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં પ્રવાસન સંબંધિત અન્ય કાર્યો, દરખાસ્તો, પ્રકલ્પો અંગે પણ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર એ રાજકોટ શહેરમાં લાખાજીરાજ માર્કેટ, જ્યુબિલી માર્કેટને વિકસાવવા અંગે રાજકોટ મહાનગર પાલિકાને સૂચન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા આયોજન અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, ભારતીય પુરાતત્વ વિભાગ, પ્રવાસન વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ, જસદણ પ્રાંત અધિકારી રાજેશ આલ, રાજકોટના પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી જોડાયા હતા જ્યારે ગોંડલ તથા ધોરાજીના પ્રાંત અધિકારી ઓનલાઈન જોડાયા હતા.