ગુટલીબાજ શિક્ષકો માટે તમામ પ્રાથમિક શાળાઓમાં રૂ.૧ કરોડના ખર્ચે બાયોમેટ્રીક એટેન્ડેન્સ સિસ્ટમ લગાવાશે: પ્રવેશોત્સવ વખતે રૂ.૨ કરોડના ખર્ચે બાળકોને સ્કૂલ બેગ અપાશે: ૩૦ લાખના ખર્ચે મહિલાઓ માટે સ્થાનિક કક્ષાએ શિક્ષણ વર્ગો ચલાવાશે
વર્ષ ૨૦૧૯-૨૦ના અંદાજપત્રમાં શિક્ષણ ઉપર ભાર દેવાયો: વિકાસના કામો માટે રૂ.૭.૫૦ કરોડની જોગવાઈ
જિલ્લા પંચાયતની કારોબારી સમીતીની બેઠકમાં આજે વર્ષ ૨૦૧૯-૨૦નું રૂ.૩૩.૨૧ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં શિક્ષણ ઉપર ખાસ ભાર દેવામાં આવ્યો છે. જેમાં ગુટલીબાજ શિક્ષકો માટે તમામ પ્રાથમિક શાળાઓમાં રૂ.૧ કરોડના ખર્ચે બાયોમેટ્રીક એટેન્ડેન્સ સીસ્ટમ લગાવવા, પ્રવેશોત્સવ વખતે રૂ.૨ કરોડના ખર્ચે બાળકોને સ્કૂલ બેગ આપવા તેમજ ૩૦ લાખના ખર્ચે મહિલાઓ માટે સ્થાનિક કક્ષાએ શિક્ષણ વર્ગો ચલાવવા સહિતની મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા અને કારોબારી સમીતીના ચેરમેન રેખાબેન પટોળીયાના અધ્યક્ષ સ્થાને કારોબારી સમીતીની બેઠક મળી હતી. આ બેઠકમાં રેખાબેન પટોળીયાએ પ્રથમ વખત કારોબારી સમીતીનું વર્ષ ૨૦૧૯-૨૦નું અંદાજપત્ર તેમજ ૨૦૧૮-૧૯નું સુધારેલું અંદાજપત્ર રજૂ કર્યું હતું. વર્ષ ૨૦૧૮-૧૯નું સુધારેલું અંદાજપત્ર ૨૨.૬૬ કરોડનું તેમજ વર્ષ ૨૦૧૯-૨૦નું અંદાજપત્ર રૂ.૩૩.૨૧ કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું.
આ બજેટમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે ૨૨ લાખ, વિકાસના કામો માટે ૭ કરોડ ૫૦ લાખ, ઉતમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે ૫ લાખ, નબળું સ્વભંડોળ ધરાવતી ગ્રામ પંચાયતના બિલ્ડીંગમાં શૌચાલય બનાવવાની સહાય યોજના માટે ૨૫ લાખ, ગ્રામ પંચાયતના પેવરીંગ બ્લોકનું કામ માટે ૨૨ લાખ, ઘન કચરાના નિકાલના યાત્રીકા સાધનો માટે ૨૫ લાખ, તાલુકા/ગ્રામ પંચાયત કચેરીઓમાં સીસીટીવી માટે ૨૨ લાખ, પ્રા.શાળાઓમાં મરામર તેમજ ફર્નીચર ખરીદી તથા શૈક્ષણિક સાધનો માટે ૧૦૦ લાખ, પ્રા.શાળામાં પીવાના પાણીની સુવિધા માટે સ્થાયી પ્રકારનો ખર્ચ માટે ૧૧ લાખ, પ્રા.શાળામાં પુસ્તકાલય તથા ઓરડા અને કોમ્પ્યુટર રીપેરીંગનો ખર્ચ માટે ૩૦ લાખ, શિક્ષણની પુરક પ્રવૃતિઓ માટે મહિલા સાક્ષરતા ઓછી ધરાવતા વિસ્તારમાં મહિલાઓને શિક્ષિત કરવા સ્થાનિક કક્ષાએ વર્ગો ચાલુ કરવા ૩૦ લાખ, શાળા કમ્પાઉન્ડમાં દરવાજાથી શાળા સુધી સિમેન્ટ રોડ બનાવવા માટે ૨૫ લાખ, જિલ્લા પંચાયત સંચાલીત પ્રાથમિક શાળાઓના બાળકોને પ્રવેશોત્સવમાં સ્કૂલ બેગ આપવા માટે ૨ કરોડ, પ્રા.શાળાઓમાં બાયોમેટ્રીક એટેડેન્સ માટે ફેસ રીડરની સુવિધા માટે રૂ૧ કરોડ, નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટેની જરૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્યલક્ષી પ્રવૃતિ માટે ૨૫ લાખ, હૃદયરોગ, કેન્સર, કિડની, થેલેસેમીયા, બ્રેઈન ઈન્જરી, બ્રેઈન ટયુમર અને પેરોલીસીસ માટે સામૂહિક રીતે સહાય માટેની ૧૦ લાખ, આંગણવાડીના મકાન તેમજ સ્થાયી પ્રકારના મરામત ખર્ચ માટે ૩૦ લાખ, મોડેલ આંગણવાડી બનાવવા તેમજ આનુસંગીક સ્થાયી પ્રકારના ખર્ચ માટે ૧૦ લાખ, પાક નિદર્શન તથા ખેતી વિષયક પ્રચારક હરિફાઈઓ અને ખેડૂત હેલ્પ સેન્ટર અંગે ૩ લાખ, અન્ય ખેતી વિષયક પ્રવૃતિઓ અને પાક સંરક્ષણ અંગે રક્ષણાત્મક કાર્યવાહી તેમજ ખેતી અંગે કોઈ કુદરતી આપત્તિ સમયે ખર્ચ માટે ૨ લાખ, સામાજિક ન્યાય નિધિમાં તબદ્દીલ કરવાની ૭૦ લાખ, અનુજા.ના વિસ્તારમાં વીજળીકરણ, એલઈડી લાઈય માટે રૂ૧૫ લાખ, વરસાદી પાણીના સંગ્રહ માટે ગ્રામ્ય કક્ષાના કામો માટે રૂ૨૫ લાખ, વિકાસના કામોની જોગવાઈ (સ્મશાન ખાટલા) માટે ૨૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
કારોબારીમાં રૂ૧૦ કરોડના કામોને મંજૂરી
જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં આજે રૂ૧૦ કરોડના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં જસદણ, કોટડા સાંગાણી અને વિંછીયા તાલુકાની ૨૮ ગ્રામ પંચાયતોના નવા બિલ્ડીંગ માટે રૂ૩ કરોડ, જિલ્લા પંચાયત સંકુલમાં સીસીરોડના કામ માટે રૂ૫૧ લાખ, આંગણવાડીમાં રમત-ગમતના સાધનો માટે રૂ.૨૫ લાખ સહિતના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં કારોબારીના સભ્ય ચંદુભાઈ શિંગાળાએ ચેરમેનનું પ્રવાસ ભથ્થુ રૂ૩૦ હજારથી વધારવાની માંગ ઉઠાવી હતી. ઉપરાંત તેઓએ જણાવ્યું કે, કોર્પોરેશનના સભ્યોનું ભથ્થુ રૂ૫ હજારથી ૧૫ હજાર થઈ શકતું હોય તો જિલ્લા પંચાયતના ચેરમેનનું પ્રવાસ ભથ્થા કેમ રૂ૩૦ હજારથી વધી ન શકે ? વધુમાં તેઓએ સુઝાવ કર્યો કે, પશુ પાલનની વિશેષ માહિતી માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવે, આંગણવાડીમાં આસન પટ્ટા તેમજ ૨ થી ૩ જેટલી ખુરશીઓ આપવામાં આવે, જિલ્લાના ડીવોર્ટેડ શિક્ષકોની યાદી બનાવીને એક તાલુકા દીઠ એક મોડલ શાળા નિયુકત કરીને તેમાં તે શિક્ષકોની નિમણુંક કરવામાં આવે, કારોબારીના સભ્ય કિશોરભાઈ પાદરીયાએ પ્રશ્નો રજૂ કરતા જણાવ્યું કે, પેઢલા બેઠકના મેવાસા ગામે આંગણવાડીનું બાંધકામ કોઈ કારણોસર અટકી પડયું છે. સ્મશાનના ખાટલા માટે ત્રણ વાર સુચન કરવા છતાં હજુ પણ ખાટલા મળ્યા નથી. મેવાસા ગામના પીએચસી સેન્ટરમાં તબીબો નથી ઉપરાંત પુરતી દવાઓ પણ નથી. આ બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો ના પ્રત્યુત્તરમાં જિલ્લા વિકાસ અધિકારીઓને ઘટતું કરવાની સુચનાઓ આપી હતી.