સામાન્ય સભામાં 15માં નાણાં પંચના વિકાસ કામોને લઈને સભ્યોએ બોલાવી તડાફડી
અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બે મહત્વના પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પંચાયત દરેક તાલુકામાં જિમ અને શાળાઓમાં પુસ્તકાલય શરૂ કરાશે. આ ઉપરાંત સામાન્ય સભામાં 15માં નાણાં પંચના વિકાસ કામોને લઈને સભ્યોએ તડાફડી બોલાવી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પ્રમુખ ભુપતભાઇ બોદરના અધ્યક્ષ સ્થાને તથા ડીડીઓ દેવ ચૌધરીના સચિવ સ્થાને મળી હતી. આ સભામાં પ્રોજેક્ટ જ્ઞાનદીપ અને પ્રોજેક્ટ ફિટ રાજકોટ લોન્ચ કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ જ્ઞાનદીપ અંતર્ગત જેમાં કિતાબનું દાન સ્વીકારી શાળાઓમાં લાયબ્રેરી સ્થાપવામાં આવશે. આ માટે અનુદાન પણ લેવાશે. સૌ પ્રથમ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે 51 હજારનું અનુદાન આપી આ પ્રોજેક્ટને શરૂ કરાવ્યો હતો.
પ્રોજેક્ટ ફિટ રાજકોટ હેઠળ દરેક તાલુકામાં ઓપન જિમ બનાવવાના આવશે. જિલ્લાના 11 તાલુકામાં કુલ 11 જિમ બનાવવામાં આવશે. આ માટે કુલ અંદાજિત 22 લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે. વધુમાં આ સામાન્ય સભામાં 15માં નાણાંપંચના વિકાસના કામોમાં તડાફડી બોલી હતી.