ડીડીઓ, શાખા અધિકારીઓ ગ્રામજનોના પ્રશ્ર્નો સાંભળશે

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સોમવારે પદાધિકારીઓના ઉપક્રમે લોક દરબાર યોજાય છે, જે અંતર્ગત છેલ્લા ત્રણેય કાર્યક્રમો નિરસ રહ્યા બાદ બુધવારે જિલ્લા પંચાયતના ઉપક્રમે જસદણ ખાતે વીંછિયા પંથકનો લોક દરબાર સરપંચ અને ગ્રામજનોના 100 થી વધુ પ્રશ્નો સાથે સફળ રહ્યા બાદ તંત્ર દ્વારા દર બુધવારે તાલુકા સ્તરે લોક દરબાર યોજવાનું આયોજન થઇ રહ્યું છે.

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે જણાવ્યું હતું કે, ‘જસદણ-વીંછિયા પંથકના લોક દરબારમાં ખાસ કરીને નાણાપંચના કામો, આયુષ્માન કાર્ડ સહિતના વિવિધ પ્રશ્નો આવ્યા હતા. પ્રશ્નો અંગે ત્વરિત નિરાકરણ આવે તેવો વિશેષ પ્રયત્ન કરાયો હતો. ખાસ તો તલાટીઓને તેમજ જવાબદારોને તાકીદ કરવામાં આવી હતી કે, વિકાસ કામો ઝડપી થાય તે અંગે ખાસ કાળજી લેવી પડશે.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, “રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જે લોક દરબાર યોજાય છે તે પદાધિકારીઓ દ્વારા યોજવામાં આવે છે, જ્યારે જસદણ-વીંછિયા પંથકમાં યોજાયેલો લોક દરબાર જિલ્લા પંચાયતના ઉપક્રમે હતો, એટલે જ તેમાં પદાધિકારીઓ સાથે ડીડીઓ, ડે.ડીડીઓ સહિતના અધિકારીઓની પણ હાજરી હતી.આ જ રીતે હવે દર બુધવારે તાલુકા વાઇઝ લોક દરબાર યોજવાનું નક્કી થઇ રહ્યું છે. આગામી તા.8 બાદ સંભવત: તાલુકા સ્તરે ક્યા સમયે ક્યાં તાલુકામાં લોક દરબાર યોજવો તે અંગેની રૂપરેખા તૈયાર થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.