જિલ્લા પંચાયતના સેક્રેટરી સમક્ષ 12મી સપ્ટેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે
રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ ભૂપતભાઇ બોદર, ઉપપ્રમુખ સવિતાબેન વસાણી, કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા વિરલભાઇ પનારા અને દંડક અલ્પાબેન તોગડીયાની અઢી વર્ષની મુદ્ત આગામી 17 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી હોય આજે રાજ્ય સરકારના વિકાસ કમિશનર સંદીપ કુમાર દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે 13 સપ્ટેમ્બરે બપોરે 12:00 કલાકે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.
વર્ષ-2021માં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ 24 બેઠકો પર જ્યારે કોંગ્રેસ 12 બેઠકો પર વિજેતા બની હતી. તા.17/3/2021ના રોજ નવી બોડી અસ્તિત્વમાં આવી હતી. પ્રમુખ તરીકે ભૂપતભાઇ બોદર, ઉપપ્રમુખ તરીકે સવિતાબેન વસાણી, કારોબારી સમિતિના ચેરમેન તરીકે સહદેવસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે વિરલભાઇ પનારા અને દંડક તરીકે અલ્પાબેન તોગડીયાની નિમણુંક કરવામાં આવી હતી. વર્તમાન શાસકોની અઢી વર્ષની ટર્મ આગામી 17મી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. સરકાર દ્વારા તાજેતરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના હવે પછીના પ્રમુખ પદ માટે સામાન્ય કેટેગરીના મહિલા માટે અનામત છે. આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની તારીખનું એલાન કરી દેવામાં આવ્યું છે. 12 સપ્ટેમ્બરે જિલ્લા પંચાયતના સેક્રેટરી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જો આ તારીખે તેમની કચેરીમાં અથવા કોઇ અનિવાર્ય કારણોસર તેઓ ગેરહાજર હોય તો નાયબ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી ફોર્મ પહોંચાડી શકાશે. ઉમેદવારી ફોર્મની ચકાસણી 12 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનની નિયુક્તી કરવા માટે ભાજપના પ્રદેશ નિરિક્ષકો દ્વારા આગામી રવિવારના રોજ સેન્સ લેવામાં આવશે. પ્રમુખ પદ મહિલા માટે અનામત હોય જિલ્લા પંચાયતના હવે પછીના પ્રમુખ મહિલા આવશે તે નિશ્ર્ચિત છે. આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયરની નિયુક્તી માટે પણ જનરલ બોર્ડની તારીખ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.