રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં સરેરાશ 14.54 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે ત્યારે જિલ્લાના નાના મોટા જળાશયો, નદી-નાળાઓ છલકાઇ ગયા હોઇ, રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના 1248 તળાવમાં પણ નોંધનીય નવાં નીરની આવક થઇ છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, તંત્ર પાસે આ જળસ્રોતોમાં કેટલું પાણી વધ્યું, તે ત્વરિત માપી શકાય, અથવા તેનો તકાજો મેળવી શકાય તેવી કોઇ સત્તાવાર વ્યવસ્થા જ નથી.

જોકે, આ તળાવો પૈકીના 80 ટકા તળાવોમાં વરસાદી નવા નિરની આવક થતાં ભરાયેલા જોવા મળે છે પરિણામે તળાવ વિસ્તારના ખેતરોના તળ અને ગામ તળ સાજા થશે.

રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, અમારા વિભાગ હસ્તગત જિલ્લામાં 1248 તળાવ છે, પરંતુ ત્યાં કોઇ માણસોની વ્યવસ્થા ન હોઇ, તાજેતરના વરસાદી રાઉન્ડ વચ્ચે કેટલા તળાવો ભરાયા, છલકાયા તેની સ્થિતિ શું છે? તેનો ડેટા ઉપલબ્ધ થયો નથી. અનગેટેડ સ્કીમોમાં માણસો-સ્ટાફ ન હોવાથી જે તે જળસ્રોતની સ્થિતિનો ત્વરિત તકાજો મેળવવો મુશ્કેલ છે. દરમિયાન રાજકોટ જિલ્લામાં 56 જેટલી માઇનોર ઇરિગેશન સ્કીમ છે, જેમાં રાજકોટની 11, લોધિકાની 2, પડધરીની 3, ગોંડલની 4, જેતપુરની 3, જસદણની 9, વીંછિયાની 13, ઉપલેટાની 9 અને જામ કંડોરણાની 2 સિંચાઇ યોજનાનો સમાવેશ થાય છે. તે પૈકી ચીભડા, ખંઢેરી અને દોમડાના જળસ્રોતો ઓવરફ્લો થઇ ગયા છે. આ 56 જળસ્રોતમાં 3207 મિલિયન ક્યુબિક ફીટ (એમસીએફટી) જળ જથ્થો છે, 53 જળાશય અંશત: ભરાઇ ચુક્યા છે. પીવાનું પાણી પૂરું પાડતા અને સિંચાઇ માટેના ડેમની જેમ તળાવમાં કેટલું પાણી છે અને તે કેટલા ભરાયા તે અંગેની વિગત રાખવામાં આવે તો ખેડૂતોને પણ ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.