રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં ભાજપ પ્રેરિત કોંગ્રેસના બળવાખોરોનો વિજય થયો હતો. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં ન આવી હતી અને સમિતિ પર માત્ર કબજો રહેશે. સામાન્ય સભા પૂર્વે ભાજપના કાર્યકર્તાને જિલ્લા પંચાયત બહાર હાર્ટ એટેક આવતા બેભાન થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા હોય ભાજપ અને કોંગ્રેસના સભ્યો સહિત કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા. પરંતુ ભાજપના કાર્યકર્તા રમેશભાઇ તાળાને જિલ્લા પંચાયત બહાર અચાનક છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યા હતા. બાદમાં અન્ય કાર્યકર્તાઓ એકત્ર થઇ ગયા હતા અને તેને હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ હાર્ટ એટેકને કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતમાં અલગ અલગ છ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પ્રસ્તાવ સામે બાગી કોંગી સભ્યો દ્વારા પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. દરેક છ સમિતિમાં કોંગ્રેસને 13 મત અને બાગી કોંગીના પ્રસ્તાવને 22 મત મળ્યા હતા. જિલ્લા પંચાયતની છ સમિતિઓમાં બાગી કોંગી સભ્યોનો વિજય થયો હતો. સમિતિઓ માટે બે પ્રસ્તાવ હોવાથી મતદાન કરવામાં આવ્યું હતું. એક સભ્ય વાલીબેન તલાવડીયાની તબિયત નાંદુસ્ત હોવાથી તેમનો મત રદ કરાયો હતો. વાલીબેન તલાવડીયા હાલ જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન છે.