સામાન્ય સભામાં કારોબારી અને બાંધકામની સત્તા પરત ખેંચવાનો ઠરાવ થશે

૨૧નું સભ્યબળ ધરાવતા ખાટરીયા જૂથનો કારોબારી અને બાંધકામ સમિતિનાં
પાવર પરત લઈ લેવાનો તખ્તો

સમિતિના પાવર ખેંચવાના ઠરાવ સામે કાનુની લડત આપવાની બાગી જુથની તૈયારી

આવતીકાલે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા અને કારોબારી બેઠક યોજાનાર છે. જેમાં સામાન્ય સભામાં કારોબારી અને બાંધકામ સમિતિની સતા પરત ખેંચવાનો ઠરાવ પસાર કરવાનું એજન્ડામાં દર્શાવાયું છે. તો સામા પક્ષે બાગી જુથે સમિતિનાં પાવર ખેંચવાના આ ઠરાવ સામે કાનુની લડત આપવાની તૈયારી પણ દર્શાવી છે.

રાજકોટ જિલ્લા પંચાયતની આવતીકાલે યોજાનારી સામાન્ય સભા અને કારોબારી બેઠકને હવે ગણતરીની કલાકો બાકી રહી છે. બેઠકને લઈને છેલ્લા થોડા દિવસોથી અર્જુનભાઈ ખાટરીયા, ૨૧ સભ્યોને લઈને અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા છે. આવતીકાલે આ સભ્યોને અજ્ઞાતવાસમાંથી બહાર લાવીને બેઠકમાં લઈ આવવામાં આવશે. સૌ પ્રથમ જિલ્લા પંચાયતમાં બાગીજુથે ભાજપના ટેકાથી સમિતિઓ પર કબ્જો જમાવ્યો હતો.

પરંતુ સમિતિના ચેરમેન પદની વરણી બાદ સતાની સાઠમારીનાં કારણે બાગીજુથના અનેક સભ્યોમાં અસંતોષ ઉદભવ્યો હતો આ અસંતોષનાં કારણે બાગી જુથનાં આઠ સભ્યોએ ઘરવાપસી કરી ખાટરીયા જુથનો હાથ પકડયો છે. ખાટરીયા જુથમાં અગાઉ ૧૩ સભ્યો હતા ત્યાં બાગી જુથનાં વધુ ૮ સભ્યો ઉમેરાતા ખાટરીયા જુથનું સભ્ય બળ ૨૧ થઈ જવા પામ્યું છે.

સભ્યબળ ૨૧ થઈ જતા ખાટરીયા જુથે કારોબારી અને બાંધકામ સમિતિનો પાવર ખેંચવાનો તખ્તો ઘડયો છે. આ બંને સમિતિના પાવર ખેંચવાનો ઠરાવ સામાન્ય સભામાં પસાર કરવાનું એજન્ડામાં દર્શાવાયું છે. તો સામા પક્ષે બાગી જુથ કારોબારી અને બાંધકામ સમિતિનાં પાવર ખેંચી લેવાના ઠરાવ સામે કાનુની લડત આપવાની તૈયારી દર્શાવી છે. આવતીકાલે અડધીકલાકનાં અંતરે સામાન્ય સભા અને કારોબારી સમિતિની બેઠક યોજાનાર છે બંને બેઠકોમાં નવાજૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.