અવિશ્વાસની દરખાસ્ત પુરવાર કરવા માટે યોજાનાર બેઠક પૂર્વે જ ચેરમેનની ખુરશી ખાલી થઈ ગઈ
રાજકોટ જિલ્લાના પંચાયતની કારોબારી સમિતિના ચેરમેને આજે સવારે રાજીનામુ ધરી દીધું છે. આજે અવિશ્વાસની દરખાસ્ત પુરવાર કરવા માટે બેઠક યોજાનાર હતી. તે પૂર્વે જ કારોબારી ચેરમેનની ખુરશી ખાલી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં ખુરશી માટે છેલ્લા ઘણા સમયથી ખેંચાખેચી થઈ રહી છે. તાજેતરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ હતી. તે મામલો હજુ સમ્યો ન હતો ત્યાં કારોબારી ચેરમેન સામે પણ અવિશ્વાસની દરખાસ્ત રજુ થઈ હતી. જો કે સભ્યોએ એવા આક્ષેપ કર્યા હતા કે વર્તમાન કારોબારી ચેરમેન સમિતિના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ આપખુદિથી નિર્ણયો લેતા હતા. તેઓ દ્રારા કોઇ પણ નિર્ણય લેતા પૂર્વે સભ્યોની સહમતી પણ લેવામાં આવતી ન હતી. આ માટે ૬ સભ્યોએ મળીને કારોબારી ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.
આ દરખાસ્ત ડીડીઓને સોંપ્યા બાદ ડીડીઓએ કારોબારી ચેરમેનને બેઠક બોલાવવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો હતો. પરંતુ ચેરમેને આ ૧૫ દિવસમાં બેઠક ન બોલાવતા ડીડીઓએ બેઠક યોજવા માટે વિકાસ કમિશનર પાસેથી તારીખ માંગી હતી. વિકાસ કમિશનરે બેઠક ૧૭મીએ યોજવાનો આદેશ કર્યો હતો. જે મુજબ આજે સવારે ૧૧ વાગ્યે બેઠક યોજાવાની હતી. પરંતુ કારોબારી ચેરમેન રેખાબેન પટોળીયાએ આ બેઠક પૂર્વેજ રાજીનામું ધરી દીધું હતું.