રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ
બેટરીવાળી રીક્ષા, ઈકો વાન સખી કેન્ટીન ઝેરોક્ષની દુકાનો વગેરે દ્વારા આત્મનિર્ભર બનતી ગ્રામ્ય નારીઓ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) એ ગ્રામીણ વિકાસ મંત્રાલયની મહત્વની યોજના છે, જેનો હેતુ સ્વ-સહાય જૂથો જેવી સામુદાયિક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને લાભ આપવાનો છે, જેથી ગ્રામીણ મહિલાઓ બેંકમાંથી આવશ્યક ધીરાણ મેળવી પગભર બની શકે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મહિલાઓ સ્વમાન સાથે સ્વાવલંબી અને આત્મનિર્ભર બનીને જીવી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દ્રષ્ટિવાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ગ્રામીણ વિકાસ પર સવિશેષ ભાર મુક્યો છે ત્યારે તેમનું “આત્મનિર્ભર ભારત”નું સ્વપ્ન રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ “આત્મનિર્ભર નારી” થકી ચરિતાર્થ થઈ રહ્યું છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એસ.ઠુંમરએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં મહિલાઓનાં સર્વાંગી ઉત્કર્ષ માટે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 3500 જેટલા સખી મંડળ કાર્યરત છે. સખીમંડળ સાથે જોડાયેલા મહિલા સભ્યોને આર્થિક રીતે પગભર થવા માટે વિનામૂલ્યે કૌશલ્યવર્ધન તાલીમ આપી હસ્તકલા અને ભરતગુંથણ, ઇમિટેશન-હેન્ડમેડ જ્વેલરી જેવી ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે જિલ્લા, રાજ્ય અને રાજ્ય બહાર માર્કેટ મેળામાં ભાગ લેવાની તકો વિનામૂલ્યે આપવામાં આવે છે.
રાજકોટ જિલ્લાને પ્રદૂષણમુક્ત કરવા માટે બહેનોને રીક્ષા ચલાવવાની તાલીમ આપી 22 બહેનોને બેટરીવાળી રીક્ષા, આજીવિકા એક્સપ્રેસ યોજના હેઠળ 3 ઇકો વાન આપવામાં આવેલી છે. સરકારી અને બિન સરકારી સંસ્થાઓમાં સખી મંડળની બહેનો દ્વારા 10 જેટલી સખી કેન્ટીન, મહિલા સંચાલિત ઝેરોક્ષની દુકાન કાર્યરત છે. સખી બહેનો દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટ પણ લેવામાં આવે છે.
આગામી વર્ષમાં મહિલા સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલાઓને તાલીમ આપીને, તેઓને આજીવિકાલક્ષી પ્રવૃતિઓ સાથે વધુમાં વધુ સાંકળવામાં આવશે. વધુમાં વધુ સખી મંડળો થકી વધુમાં વધુ મહિલાઓ જોડાઈ, આર્થિક રીતે પગભર થાય, કૌશલ્યવર્ધન તાલીમ મેળવીને વ્યાવસાયિક પ્રવૃતિઓ થકી રાજકોટની મહિલાઓ સ્વની સાથે અન્ય મહિલાઓને મદદરૂપ બની રહે તે માટે તમામ પ્રયાસો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવનાર છે.
33 જિલ્લામાંથી રાજકોટ જિલ્લા પ્રથમ આવ્યો એ ગર્વની બાબત: ડી.ડી.ઓ દેવ ચૌધરી
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા માટે ગર્વની વાત છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગત નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન આત્મનિર્ભરતા સાથે મહિલા સશક્તિકરણની નેત્રદીપક કામગીરી કરવા બદલ રાજકોટ જિલ્લો જરૂરી તમામ મૂલ્યાંકનમાં અવ્વલ આવી 33 જિલ્લામાંથી પ્રથમ ક્રમાંકે આવ્યો છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રાજ્ય કક્ષાએ દરેક જિલ્લામાં થતી જુદીજુદી પ્રવૃતિઓ જેવી કે, નવા સખી મંડળોની નોંધણી, માનવબળની ભરતી, વિલેજ ઓર્ગેનાઈઝેશનની નોંધણી, ક્લસ્ટર લેવલ ફેડરેશન, રીવોલ્વીંગ ફંડ, કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, આધારકાર્ડ લીંક અપ, કેશ ક્રેડીટ, રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ, બિઝનેસ કોરોસ્પોન્ડસ સખી, પ્રધાનમંત્રી ફોર્માલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ, લખપતિ દીદી, કસ્ટમર હાઈરીંગ સેન્ટર, સહીત વહીવટી પ્રક્રિયા, ફંડની વહેંચણી, ચૂકવણાની કામગીરી, નિયત સમયમર્યાદામાં જુદાજુદા લક્ષ્યાંકોની પૂર્તિ સહીતની વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીને ધ્યાને લઈને દરેક જિલ્લાની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે.
ચાલુ વર્ષે 12 કરોડથી વધુની કેસ ક્રેડીટ મેળવતી ગ્રામીણ મહિલાઓ
ગ્રામીણ મહિલાઓ માટે જુન 2011 થી શરૂ કરીને અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં આશરે 3500 જેટલા સ્વસહાય જૂથની બહેનો પોતાના દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું વેચાણ કરીને આજીવિકા મેળવે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ વર્ષે 12 કરોડથી પણ વધુની કેશ ક્રેડીટ થકી ગ્રામીણ મહિલાઓનાં જીવનમાં અજવાસ પથરાયા છે.