- આજે વિશ્વ કઠોળ દિવસ: કઠોળ:ધરા અને જનતાનું પોષક થીમ સામે સમગ્ર વિશ્વમાં ઉજવાયો કઠોળ દિવસ
પ્રોટીન અને વિટામીનથી ભરપૂર કઠોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, પોષણક્ષમ અને ખોરાકની પૂર્તિ માટે જરૂરી છે, ત્યારે કઠોળના ઉપયોગ અંગે લોકો જાગૃત થાય તે માટે સંયુક્ત રાષ્ટ્રના “ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન – FAO” દ્વારા વિશ્વ કઠોળ દિવસ ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. વિશ્વમાં ભૂખમરો, ગરીબી અને આહારમાં કુપોષણ નાથવા, વિશ્વની વસ્તીને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે તે માટેના ખાસ હેતુથી વર્ષ 2016 ને “આંતરરાષ્ટ્રીય કઠોળનું વર્ષ” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 10 ફેબ્રુઆરીને “વિશ્વ કઠોળ દિવસ” તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો ત્યારથી સમગ્ર વિશ્વમાં “વિશ્વ કઠોળ દિવસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો હેતુ જમીન અને કઠોળની ઉત્પાદકતા, ખેતી પ્રણાલીમાં સ્થિતિસ્થાપકતા, ખેડૂતો માટે સારું જીવન અને યોગ્ય ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે.
આજના આધુનિક અને ઝડપી યુગમાં ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધી જતાં રોજિંદા ખોરાકમાં કઠોળનો ઉપયોગ ઘટ્યો છે. પરિણામે શરીરને પૂરતું પોષણ ન મળતાં બાળકો અને યુવાનોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર થઇ રહી છે. ખોરાકનું ઉત્પાદન જમીન આધારિત છે. સ્વસ્થ જમીન માત્ર ખાદ્ય સુરક્ષાનો આધાર જ પૂરી પાડતી નથી, પરંતુ કુપોષણ, વૃદ્ધિ અટકી જવા અને એનિમિયા જેવી અન્ય પોષક તત્ત્વોની ઉણપને લગતી બીમારીઓથી બચવા માટે જરૂરી ખનિજો પણ પ્રદાન કરે છે. તેથી, કઠોળ માનવજાત માટે માત્ર ખોરાક જ નથી પરંતુ જમીનને પણ સ્વસ્થ પણ રાખે છે, ત્યારે લોકો ખોરાકમાં કઠોળને સામેલ કરે તે માટે કઠોળ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષે “કઠોળ: ધરા અને જનતાનું પોષક (Pulses: nourishing soils and people)”ની થીમ સાથે સમગ્ર વિશ્વમાં ઉજવાશે.
કઠોળ આબોહવા પરિવર્તનનો સામનો કરી વધુ સ્થિતિસ્થાપક પાક બનાવે છે. કઠોળને અન્ય પાકો કરતાં ઓછા પાણીની જરૂર પડતી હોવાથી મુખ્ય પાક નિષ્ફળ જાય, ત્યારે ખેડૂતો કઠોળનું વાવેતર કરતા હોય છે. આ ઉપરાંત, ખેડૂતો આંતરપાક તરીકે પણ કઠોળનું વાવેતર કરે છે. કઠોળ 70થી 85 દિવસોમાં તૈયાર થઈ જાય છે. કઠોળમાં રહેલું રાઈઝોબીયમ નામનું દ્રવ્ય જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. રાઈઝોબીયમ હવામાંથી નાઇટ્રોજન લઈને જમીનમાં સ્થાપિત કરે છે. આથી કૃત્રિમ ખાતરોની જરૂરિયાત ઘટે છે અને જમીનની ફળદ્રુપતા વધવાથી પાકની ઉપજ વધે છે , પરિણામે સીમાંત ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. કઠોળનું ઉત્પાદન અન્ય પાકોની સરખામણીએ ઓછું કાર્બન ફૂટપ્રિન્ટ પેદા કરે છે. જેથી પર્યાવરણ અને સ્વાસ્થ્ય, બંને માટે કઠોળનું ઉત્પાદન અને વપરાશ વધે તે ફાયદાકારક છે.
કઠોળ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક પ્રોત્સાહક યોજનાઓ અને નીતિઓ અમલી બનાવાઈ છે. રાષ્ટ્રીય કઠોળ વિકાસ પ્રોજેક્ટ (NPDP), કઠોળ બીજ-હબ, નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન (NFSM-PULSES), પ્રધાનમંત્રી અન્નદાતા આવક સુરક્ષા અભિયાન (PM-ASHA), કઠોળ અને તેલીબિયાં માટે પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) જેવી મહત્વની નીતિઓ તથા કઠોળના પાકોમાં વધુ સારી જાતોના વિકાસની દિશામાં નોંધપાત્ર કાર્ય માટે સરકારે ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને ભારતીય કઠોળ સંશોધન સંસ્થા કાનપુર સાથે મળીને 150 સુધારેલા બીજ કેન્દ્રો સ્થાપ્યા છે. ઘણા ખેડૂત ઉત્પાદન સંગઠનો (FPO) પણ તેમની સાથે સંકળાયેલા છે. કઠોળના ટેકાના ભાવમાં ભારે વધારો અને સરકારી પ્રાપ્તિ નેટવર્કમાં વિસ્તરણના પરિણામે દેશમાં કઠોળના ઉત્પાદનમાં ઝડપથી વધારો થયો છે.
સરકાર દેશમાં કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી અને નવીનતાના ઉપયોગ દ્વારા સ્માર્ટ ફાર્મિંગ, સ્ટાર્ટઅપ વગેરેને પણ પ્રોત્સાહન આપી રહી છે. ભારતમાં મગ, મઠ, ચણા, મસુર, રાજમા, વટાણા, અડદ, કળથી જેવા જુદા જુદા કઠોળ અને દાળનું ઉત્પાદન કરવામાં આવે છે. સમગ્ર વિશ્વના કઠોળનુ 25 ટકા જેટલું ઉત્પાદન ભારત કરે છે. ભારતે પહેલાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, મ્યાનમાર, મોઝામ્બિક અને તાન્ઝાનિયા જેવા દેશોમાંથી કઠોળની આયાત કરવી પડતી હતી પરંતુ હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને સરકારશ્રીના પ્રયાસોને કારણે ભારત ચણા અને મગમાં આત્મનિર્ભર બન્યું છે. સરકાર દ્વારા વર્ષ 2027 સુધીમાં દેશને અડદ અને મસૂરની બાબતમાં પણ આત્મનિર્ભર બનાવવાનો લક્ષ્યાંક છે.
સરકારની કઠોળના વાવેતરને પ્રોત્સાહક યોજનાઓ અને પોષણક્ષમ ભાવો આપવાની યોજનાઓને અનુલક્ષીને ગુજરાતમાં પણ કઠોળનું ઉત્પાદન વધી રહ્યું છે. ગુજરાતના પ્રખ્યાત ઢોકળા, હાંડવો, ખાંડવી, ફાફડા જેવી વગેરે વાનગીઓ તેમજ ફરસાણમાં ચણાનો લોટ વપરાતો હોવાથી ગુજરાતમાં સૌથી વધુ ચણાની ખેતી કરવામાં આવે છે. બજારમાં ચણાની ખેતી બાદ ચણાનો લોટ, જીંજરા, દાળીયા, ચીકી સહિતની વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદનથી ઉદ્યોગકારોમાં પણ ચણાની ખરીદીની માંગ વધી છે. તેમાં પણ વિવિધ પ્રોડક્ટો હવે તો વિદેશમાં પણ મોકલવામાં આવે છે, જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. આ સિવાય રાજ્યમાં તુવેરની દાળ, અડદની દાળ, મગ, મઠ વગેરે જેવા કઠોળનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. રાજકોટ જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન હેકટર દીઠ કઠોળ વાવેતરની વાત કરીએ તો, ખરીફ સીઝનમાં 1672 હેક્ટરમાં મગ, 36 હેક્ટરમાં મઠ, 892 હેક્ટરમાં અડદનું વાવેતર કરવામાં આવ્યું હતું, જ્યારે રવિ સીઝનમાં 59743 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું હતું. તો ઉનાળુ સીઝનમાં 1775 હેક્ટરમાં મગ, 443 હેક્ટરમાં અડદનું વાવેતર થયું હતું.
કઠોળ સ્વસ્થ જીવન માટે અતિ આવશ્યક
કઠોળ સ્વસ્થ જીવન માટે અતિ આવશ્યક છે. ફણગાવેલા કઠોળનો નાસ્તો આયુર્વેદ શાસ્ત્ર મુજબ સર્વોત્તમ ગણાય છે. કઠોળના અનેક ઔષધિય ફાયદાઓ પણ છે. ડાયાબિટીસ, કબજિયાત, પાચનતંત્ર સંબંધિત બીમારી, સૌંદર્ય નિખાર, વાળની તંદુરસ્તી, કોલેસ્ટ્રેાલને નિયંત્રીત રાખવુ વગેરેમાં કઠોળ સીધી અથવા આડકતરી રીતે મદદરૂપ થાય છે. સરકાર દ્વારા મમતા દિવસ અને પોષણ સપ્તાહની ઉજવણી અન્વયે માતા, બાળકો, કિશોરીઓમાં કુપોષણ તથા એનીમીયા નાબુદી અર્થે આપવામાં આવતા વિવિધ પોષક આહારમાં કઠોળનો પણ સમાવેશ કરાયો છે. ફાસ્ટ ફૂડ અને પોષણવિહીન ખોરાકને બદલે કઠોળ જેવા ઉત્તમ આહારને જીવનમાં પ્રતિદિન સેવનમાં અપનાવીએ તો “તંદુરસ્ત વ્યક્તિ, તંદુરસ્ત સમાજ” થકી સ્વસ્થ ભારતનું નિર્માણ થઈ શકે.