ધોરાજી-ઉપલેટા બેઠક પર બંને પક્ષો વચ્ચે ભારે કશ્મકશ
રાજકોટ જિલ્લાની વિધાનસભાની ૮ બેઠકો પૈકી ૬ બેઠકો પર કમળ ખીલે તેવા સ્પષ્ટ આસાર મળી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય અને જસદણ બેઠક પર હાલ પંજાનું જોર દેખાઈ રહ્યું છે તો ધોરાજી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કશ્મકશ વર્તાઈ રહી છે.
રાજકોટ જિલ્લામાં વિધાનસભાની કુલ ૮ બેઠકો છે. જેમાં રાજકોટ શહેરની ૬૮-રાજકોટ પૂર્વ, ૬૯ રાજકોટ પશ્ર્ચિમ, ૭૦ રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત નિશ્ર્ચિત મનાઈ રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હોય આ બેઠક પર માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ આખાની મીટ મંડાયેલી છે. જેમાં મુખ્યમંત્રીની જીત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે. કેટલી લીડથી વિજયભાઈ જીતશે ? તે અંગે ચર્ચાઓ થતી જોવા મળી રહી છે. જયારે ૬૮-રાજકોટ પૂર્વ બેઠક જેના પર ૨૦૧૨માં કોંગ્રેસની જીત થઈ હતી આ વખતે આ બેઠક ભાજપ કોંગ્રેસ પાસેથી આંચકી લેશે. આ બેઠક પર અરવિંદ રૈયાણી જીતે તેવા આસાર દેખાઈ રહ્યા છે તો ૭૦-રાજકોટ દક્ષિણ બેઠક પર વર્તમાન ધારાસભ્ય અને રાજય સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલનો વિજય નિશ્ર્ચિત મનાઈ રહ્યો છે.
આ ઉપરાંત જેતપુર-જામકંડોરણા અને ગોંડલ બેઠક પર પણ ભાજપની જીત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે. ધોરાજી-ઉપલેટા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર નજીવા માર્જીનથી જીતશે તેવું લાગી રહ્યું છે તો રાજકોટ ગ્રામ્ય અને જસદણ-વિંછીયા બેઠક પર પંજાનું જોર દેખાઈ રહ્યું છે. આ બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીતે તેવું હાલ લાગી રહ્યું છે. બંને તબકકાના મતદાન પૂર્ણ થયા બાદ જે સર્વે મળી રહ્યા છે તેમાં રાજકોટ જિલ્લાની ૮ પૈકી ૬ બેઠકો પર ભાજપનું અને ૨ બેઠકો પર કોંગ્રેસનો વિજય થાય તેવું લાગી રહ્યું છે. જોકે સોમવારે મતગણતરીના દિવસે બપોર સુધીમાં ચિત્ર કલીયર થઈ જશે.