રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ મતદાન કર્યું હતું. રાજકોટના આઠ વિધાનસભા મત વિસ્તારોમાં ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ થયો છે. જિલ્લામાં તમામ બેઠકો પર નાગરિકો મતદાન માટે ઉમટી રહ્યા છે. લોકશાહીના અવસર એવા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ના પ્રથમ તબક્કામાં રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને તેમનાં ધર્મપત્ની પી.જી.વી.સી.એલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર પ્રિતી શર્માએ મતદાનના પ્રથમ કલાકમાં જ મતદાન કરી લોકશાહીના અવસરની ઉજવણી કરી હતી.
મ્યુનિસિપલ કમિશનર લોકશાહીના પર્વમાં રાજકોટના મતદારોને મતદાન કરીને અનુરોધ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ અને તેમનાં ધર્મપત્ની મીનાક્ષીએ બૂથ નં. 287, રૂમ નં.16, આઈ.પી મિશન હાઈસ્કુલ ખાતે તેમના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને સૌને મતદાન કરવા અપીલ કરી હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.