બાળકોને પારિવારિક હૂંફ સાથે માતા-પિતાને જવાબદાર ભૂમિકા નિભાવવા કલેકટરની અપીલ
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ કિશોર ન્યાય અધિનિયમ એમેડમેન્ટ 2021 અને એડોપ્શન 2022 અંતર્ગત દત્તક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને સત્તાઓ આપવામાં આવી છે. સમગ્ર ભારતમાં નવેમ્બર મહિનાને એડોપ્શન માસ તરીકે ઉજવવમાં આવે છે. જે અન્વયે આજરોજ રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત નવી ગાઈડ લાઈન એડોપ્શન રેગ્યુલેશન – 2022 અનુસાર જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના હસ્તે કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના 3 આશ્રિત બાળકોને ઈચ્છુક દંપતિઓને સોંપવામાં આવ્યા હતા.
આ તકે જિલ્લા કલેકટરે બાળકો અને દત્તક માતા પિતાને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. તેમજ બાળકોને પારિવારિક હૂંફ સાથે જવાબદાર માતા પિતા તરીકે ભૂમિકા નિભાવવા અપીલ કરી હતી.આ સમગ્ર કામગીરીમાં પ્રાંત અધિકારી શહેર-1 કે.જી.ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થનાબેન શેરસીયા, ચીફ પ્રોબેશન ઓફિસર મેહુલગીરી ગોસ્વામી, કાઠિયાવાડ બાલાશ્રમના પ્રમુખ હરેશભાઈ વોરા તથા જિલ્લા બાળ સુરક્ષા એકમનો તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.