૧૧ મંડળીઓને મોટર સાયકલ, અકસ્માતે મૃત્યુ પામનાર સભાસદોને વારસદારોને ચેકનું વિતરણ: પાક શિબિર યોજાઈ
રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકે ગામડાના છેવાડાના માનવી સુધી બ્રેકીંગ સેવા મળી રહે તેવા સંકલ્પથી વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારમાં શાખાઓ ખોલી રહેલ છે અને હાલ બેંકની ૧૯૪ શાખાઓ પૈકી ૧૨૬ શાખાઓ નાના નાના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત છે. આ બેંક સાથે જોડાયેલ ખેડુતો, થાપણદારો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાં જ બેકીંગ સેવાઓ મળી રહે તે બાબત ધ્યાને લઈ મોરબી જીલ્લામાં ટંકારા તાલુકાના ધુનડા (ખા) ગામે નવી શાખા ખોલવા નાબાર્ડ તરફથી મંજુરી મળતા ધુનડા (ખા) મુકામે બેંકની નવી શાખાના લોકાર્પણ અંગેનો કાર્યક્રમ બેંકના ચેરમેન અને ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. બેંકની નવી ઘુનડા (ખા) શાખાનું લોકાર્પણ બેંકના ડિરેકટર, વાઈસ ચેરમેન ક્રિભકો, ચેરમેન નાફેડ વાઘજીભાઈ બોડાના હસ્તે કરવામાં આવેલ. ઘુનડા (ખા) મંડળીના નવનિર્મિત ઓફિસ ભવનનું લોકાર્પણ બેંકના વાઈસ ચેરમેન તેમજ માર્કેટયાર્ડ મોરબીના ચેરમેન મગનભાઈ વડાવીયાના હસ્તે કરવામાં આવેલ. બેંકની પ્રોત્સાહન ઈનામી યોજના અન્વયે ૧૧ મંડળીઓને મોટર સાયકલનું વિતરણ બેંકના ચેરમેન અને ગુજરાત રાજયના કેબિનેટમંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવેલ. અકસ્માતે ગુજરનાર ખેડુત સભાસદોના વારસદારોને રૂ.૧૦.૦૦ લાખના ચેકોનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમની સાથે સાથે ખેડુતોને આધુનિક ખેતી માટે ખેડ-ખાતર અને પાણી બાબતે નિષ્ણાંતો દ્વારા જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે પાક શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ. છેલ્લા ૪૬ વર્ષથી આ બેંક ઓડિટ વર્ગ અ ધરાવે છે અને સભાસદોને ૧૫ ટકા ડિવિડન્ડ ચુકવે છે અને બેંકની વસુલાત ૯૯ ટકા જેટલી છે નેટ એનપીએ ૦ ટકા છે તેમજ આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત એવોર્ડ, નાફસ્કોબ તરફથી બે વખત એવોર્ડ તથા બેંકો-મુંબઈ તરફથી પણ એવોર્ડ મળેલ છે.