સુપોષણયુક્ત આંગણવાડી, નંદઘરની આંગણવાડી કાર્યકર્તા, આશાવર્કર, તેડાગર બહેનોને પુરસ્કારથી સન્માનિત કરાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ આગામી પ્રજાસતાક પર્વ સુધીમાં ગુજરાતમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટેની પ્રતિબધ્ધતા સાથે પોષણ અભિયાનને જન આંદોલન બનાવવાના આહવાનના અભિગમને રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા ઉપલેટા-ધોરાજી-જામકંડોરણા-જેતપુર-ગોંડલ-કોટડાસાંગાણી-લોધિકા-રાજકોટ તાલુકા-પડધરી-જસદણ-વિંછીયાના તમામ શહેર અને તાલુકામાં ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવશે તેમ રાજકોટ જીલ્લા ભાજપાના અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ વિસ્તૃતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, પોષણ અભિયાન આગામી તા.૩૦-૩૧-જાન્યુઆરી અને તા.૧ ફેબ્રુઆરી દરમ્યાન યોજવામાં આવશે.
ઉપરોક્ત કાર્યક્રમોમાં સરકારની યોજના મુજબ કેબીનેટમંત્રી કુવરજીભાઈ બાવળિયા, મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સંગીત નાટ્ય અકાદમી ચેરમેન પંકજભાઈ ભટ્ટ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, તમામ જીલ્લા અને તાલુકાઓમાં રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્ય, બોર્ડ નિગમના ચેરમેન ખાસ ઉપસ્થિત રહેશે.
વધુમાં, આપણા રાજકોટ જીલ્લામાં અતિ નબળા અલ્પપોષિત બાળકોના પોષણની સ્વૈચ્છિક જવાબદારી સમાજના વર્ગો, સેવાભાવી સંસ્થાઓ, સમાજના શ્રેષ્ઠીઓએ પાલક વાલીબનીને એક પાલક-એક બાળકના ઉદાર ભાવનાથી આવા નબળા અને કુપોષિત બાળકની સંભાળ રાખવા સમાજના લોકોએ આગળ આવવું પડશે.
સમાજ સેવા, સમાજ દાયિત્વથી જેમને સમાજ પ્રત્યેનું ઋણ ચુકવવું છે તેવા શ્રેષ્ઠીઓ અને જ્યેષ્ઠીઓ માટે આ પોષણ અભિયાનમાં સહયોગ આપવાનો ઉત્તમ પવિત્ર દિવસ છે.
આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પાલક વાલીની પહેલ કરીને તેમના મત વિસ્તારની આંગણવાડીના કોઈ એક બાળકના તેઓ સ્વયં પાલક વાલી બનશે.
ઉપરોક્ત સંદર્ભમાં જે આંગણવાડીના કાર્યકર, આશાવર્કર, એ.એન.એમ.ના વિસ્તારની આંગણવાડી સંપૂર્ણ પોષિત હશે તેવી શ્રેષ્ઠ કામગીરી કરનારી બહેનોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જીલ્લાના હોદેદારો, તાલુકાના પ્રમુખ, મહામંત્રીઓ, ચૂંટાયેલા લોક્પ્રતીનિધિઓ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થીત રહેશે.