દિલીપભાઈ ગાંધીએ આઈસોલેશન વોર્ડમાં લીધા અંતિમ શ્વાસ: પ્રજા પ્રશ્ને હંમેશા આગળ રહેતા એવા કર્મનિષ્ઠ રાજકારણીના નિધનથી પડધરી પંથકમાં ઘેરો શોક
ભાજપ અગ્રણી દિલીપભાઈ ગાંધીનું આજે કોરોનાથી નિધન થયું છે. તેઓએ આજે ઉદય કોવિડ હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. પ્રજા પ્રશ્ને હરહંમેશ આગળ રહેતા એવા સાચા રાજકારણીના નિધનથી પડધરી પંથકને મોટી ખોટ પડી છે. તેઓના નિધનના સમાચારથી સમગ્ર પંથકમાં શોક છવાયો છે.
ભાજપ અગ્રણી દિલીપભાઈ ગાંધી અંદાજે વીસેક દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. તેઓને રાજકોટની ઉદય કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આઈસોલેશન વોર્ડમાં તેઓએ અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેઓને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, દિલીપભાઈ ગાંધી પડધરીના વતની હતા. તેઓએ પડધરી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેઓને ત્રણ વાર જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી મળી હતી જે તેઓએ સુપેરે નિભાવી હતી. ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્ય તેમજ આરોગ્ય સમીતી અને બાંધકામ સમીતીના ચેરમેન પણ તેઓ રહી ચૂકયા છે.
આ સાથે તેઓએ અનેકવિધ ચૂંટણીઓમાં ઈન્ચાર્જની મહત્વની ભૂમિકા ભજવી હતી.
પડધરી પંથકના કોઈપણ પ્રશ્ને તેઓ હરહંમેશ આગળ રહેતા હતા. જેથી સમગ્ર પંથકમાં તેઓ ભારે લોકચાહના ધરાવતા હતા. આજરોજ તેઓના નિધનના સમાચારથી સમગ્ર પંથક શોકમાં ગરકાવ થયું છે. દિલીપભાઈના અવસાનથી પડધરી પંથકે એક સાચા નેતા ગુમાવ્યા છે.