બેઠકમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, કુંવરજીભાઈ બાવળીયા, ગીતાબા જાડેજા, મોહનભાઈ કુંડારીયા વગેરેએ જિલ્લાના પ્રમુખ-મહામંત્રીઓ સાથે સંવાદ કર્યો

રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા રાજકોટ જીલ્લામાં આવતી વિધાનસભા, લોકસભાના કાર્યકર્તાઓ સાથે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયાના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ બેઠકને જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, જસદણના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ગોંડલ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયા, પોરબંદર લોકસભાના સાંસદ રમેશભાઈ ધડુકએ જીલ્લાના પ્રમુખ-મહામંત્રીઓ, મંડલના પ્રમુખો તથા પ્રમુખ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો.

આ વર્ચ્યુઅલ બેઠકનું સંચાલન રાજકોટ જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતાએ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વિકાસનો વ્યાપ વધ્યો છે. ખેડૂતોને આર્થિક ધિરાણ તથા પાકવીમા ચૂકવીને ખેડૂતોને રાહત સહાયો આપી છે. ઉપરાંત અનેક વિકાસ કાર્યો કર્યા છે. જેની રાજકોટ જીલ્લાની પ્રજા સુધી લઇ જવા કટિબદ્ધ બનીએ.

આ તકે રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારની સેક્ધડ ટર્મના એક વર્ષ પૂર્ણ કર્યું છે. આટલા ટૂંકા શાસનમાં સરકારે કાશ્મીરમાંથી ૩૭૦,૩૫-એ ને હટાવી કોંગ્રેસે ભૂતકાળમાં વોટબેંકના રાજકારણ ખાતર કરેલી ઐતિહાસિક ભૂલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે સુધારીને જમ્મુ-કાશ્મીરની પ્રજાને આતંકવાદમાંથી મુક્ત કર્યો છે.

રાજકોટ જીલ્લા(ગ્રામ્ય)માં આવતી વિધાનસભાના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ વિડીયો કોન્ફરન્સ દ્વારા જેતપુરના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, જસદણના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ જીલ્લાના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ કાર્યકર્તાઓને સરકારે કરેલા વિકાસકાર્યો કોંગ્રેસના પાપે નર્મદા બંધના કામો અટકી પડ્યા હતા તે વડાપ્રધાને સત્તાના સુત્રો સંભાળતા જ નર્મદા બંધના કામને લીલી ઝંડી આપી જેને કારણે નર્મદામૈયાના જળ સૌરાષ્ટ્ર-કચ્છમાં પહોચાડીને ૧૧૫ જળાશયો નર્મદાના જળથી ભરવાનું અભિયાન શરુ કર્યું. નર્મદાના જળને કારણે ખેડૂતો-પ્રજાને પાણીની સમસ્યામાંથી મુક્તિ આપી. ખેડૂતોને આર્થિક સહાય, પાક વીમો આપીને ખેડૂતોની આવકમાં બમણો વધારો થયો છે.

આ તકે જીલ્લા પ્રભારી પ્રકાશભાઈ સોનીએ કોંગ્રેસને ચાબખા મારતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના એક હથ્થુ નેતૃત્વને કારણે કોંગ્રેસના જ કાર્યકર્તાઓનો આંતરિક કલહ સપાટી ઉપર આવ્યો છે. કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચારએ માઝા મૂકી હતી. રાજીવ ગાંધીએ સ્વીકારેલ કે હું ૧ રૂ. મોકલું છું ૧૫ પૈસા પ્રજા સુધી પહોચે છે. જયારે ભાજપાના શાસનમાં રૂપિયો મોકલે જે ૧.૧૦ પૈસા થઇને વિકાસકાર્યો થાય છે.

ડિ.કે.સખીયાએ આ તકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસે અનેક વખત સિદ્ધાંતો નેવે મૂકીને પોતાની સત્તાલક્ષી ગંદી રાજનીતિ રમીને પ્રજાનું શોષણ જ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.