રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકની ચૂંટણી બિનહરીફ થયા બાદ હોદેદારોની વરણી: ચેરમેન તરીકે જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેન તરીકે મગનભાઈ વડાવીયા અને મેનેજીંગ ડિરેકટર તરીકે ઘનશ્યામભાઈ ખાટરીયા નિમાયા
રાજકોટ જિલ્લા બેંકનો તાજ સતત બીજી વખત મંત્રી જયેશભાઈ રાદડિયાનાં શીરે રહ્યો છે. તેઓએ ચેરમેનપદ ગ્રહણ કરતા ખેડુતો માટે સતત કાર્યરત રહેવાની નેમ વ્યકત કરી હતી અને જિલ્લા બેંક હંમેશા ખેડુતોનાં હિત માટે કાર્યરત રહેશે તેવું વચન આપ્યું હતું.
રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકની ચૂંટણી ઐતિહાસિક રીતે બિનહરીફ જાહેર થઈ હતી ત્યારબાદ ગઈકાલે બેંકનાં હોદેદારોની નિમણુક થઈ હતી જેમાં ચેરમેન તરીકે સતત બીજી વખત સહકારી ક્ષેત્રમાં આગવું નામ ધરાવતા અને ખેડુતોનાં પ્રશ્ર્ને હરહંમેશ આગળ રહેતા જયેશભાઈ રાદડિયાની વરણી થઈ છે. આ સાથે વાઈસ ચેરમેનપદે મોરબી માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન મગનભાઈ વડાવીયાની નિમણુક કરવામાં આવી છે જયારે મેનેજીંગ ડિરેકટર તરીકે સહકાર ક્ષેત્રમાં વર્ષોથી રહેલા ઘનશ્યામભાઈ ખાટરીયાની નિમણુક કરવામાં આવી છે. આ ત્રણેય હોદેદારોનું આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ત્રણેય હોદેદારોએ આગેવાનોનો કોઈપણ જાતનાં વાદ-વિવાદ વગર ચુંટણીને બિનહરીફ જાહેર થવામાં સહયોગ આપવા બદલ આભાર માન્યો હતો. ઉપરાંત ત્રણેય હોદેદારોએ જિલ્લા બેંકને નવી ઉંચાઈ સર કરાવવા સતત પ્રયત્નશીલ રહેવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જોગાનુજોગ ગઈકાલે છોટે સરદાર તરીકે જાણીતા એવા ખેડુત નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હોય તેઓને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી ઉપરાંત તેઓએ જિલ્લા બેંક માટે કરેલી કામગીરી ઉપસ્થિત સૌ કોઈએ યાદ કરી હતી.
સહકારી ક્ષેત્રમાં ‘અબતક’ છવાયું
સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ‘અબતક’ દ્વારા જે ખાસ અહેવાલ પ્રસિઘ્ધ કરવામાં આવ્યો હતો તેનું જિલ્લા બેંકનાં હોદેદારોની નિમણુક વેળાએ સૌ કોઈ આગેવાનોએ ગ્રહણ વાંચન કર્યું હતું. આ સાથે તાજા સમાચારો પણ આગેવાનોએ વાચ્યા હતા આમ સહકારી ક્ષેત્રમાં ગઈકાલે ‘અબતક’ છવાઈ ગયું હતું.