કેબીનેટમંત્રી અને ચેરમેન જયેશ રાદડીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ જિલ્લા બેંકની વાર્ષિક સાધારણ સભા મળી ૨૦૧૯-૨૦ના વર્ષ માટે ૨૨ કરોડની વ્યાજ સહાયની જાહેરાત તથા ખેડુતોને ૧% વ્યાજ રાહતની કરી ઘોષણા
સહકારી ક્ષેત્રે દેશભરમાં અવ્વલ દરજજાનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જિલ્લા સહકારી બેંકની ૬૦ મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન અને રાજયના કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયાએ બેંકનો સને ૨૦૧૮-૧૯ના વર્ષનો ચોખ્ખો નફો રૂા.૪૫.૫૦ કરોડ થયાની અને સભાસદોનો ૧૫ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી.
ચેરમેન જયેશભાઈ રાદડીયાએ જણાવેલ કે ખેડુતોને સારા-માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડિસ્ટ્રિકત્ત બેન્ક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે અને તેથી જ ખેડુતોએ બેંકને અદના આદમીની અડીખમ બેંક નામ આપ્યુ છે. ઝીરો ટકા વ્યાજ દરે ખેડુતોને કે.સી.સી. ધિરાણ આપવાની બાબતથી માંડી કિસાન ક્રેડીટ કાર્ડ, ખેડુતોનો રૂા. ૧૦.૦૦ લાખનો અકસ્માત વિમો, ગંભીર માંદગીના કિસ્સામાં રૂા.૧૦ હજારની સહાય તેમજ ૨૪ કલાક લોકર સેવા જેવી દરેક બાબતમાં દેશભરની સહકારી બેંકોને રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક નવો રાહ ચિંધ્યો છે. જયારે ખેડુતોએ પણ અનેક પડકારો અને વિપરીત પરિસ્થિતમાં ડિસ્ટ્રિકટ બેંક ઉપર અડીખમ વિશ્વાસ મુકયો છે અને તેના કારણે જ રાજકોટ જિલ્લાના સહકારી માળખાને દેશભરમાં સૌથી મજબુત અને નમુનેદાર બનાવવામાં આપણે સફળ રહ્યા છીએ. નાબાર્ડ જેવી દેશની ટોચની સંસ્થા પણ અન્ય રાજયોની જિલ્લા બેન્કોને રાજકોટ જિલ્લા બેંકના વહીવટી મોડેલનો અભ્યાસ કરવા મોકલે છે. આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત તથા નાફસ્કોબ તરફથી બે વખત એવોર્ડ મળેલ છે.
રાજકોટ જિલ્લા સહકારી બેંકે સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કર્યા છે આ બેંકે ખેડુતોને ધિરાણમાં કરોડો રૂપીયાની વ્યાજ માફી આપી ખેડુતોને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં રૂા. ૨૧૯૯ કરોડનું ઝીરો ટકા વ્યાજે કે.સી.સી. ધિરાણ આપવા ઉપરાંત મગફળી અને કપાસના પાક વિમાના પ્રિમીયમમાં રૂા. ૨૩.૧૪ કરોડની સહાય આપવામાં આવી છે તેમજ જંગલી અને રખડતા પશુઓથી પાકના રક્ષણ માટે વાયર ફેન્સીંગ તથા ડ્રીપ ઈરીગેશન માટે પણ ખુબ જ નીચા વ્યાજે લોન આપવા છતા રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકે રૂા. ૧૨૪ કરોડનો ગ્રોસ નફો અને રૂા. ૪૫.૫૦ કરોડનો ચોખ્ખો નફો કરેલ છે તે કોઈ નાની સુની વાત નથી.
ગ્રામ્ય વિસ્તારના તમામ સ્તરના લોકો, ખેડુતો અને શ્રમીકોનો આ બેંકઉપર અદભુત વિશ્ર્વાસ સંપાદિત કરી ેબેંકને વટવૃક્ષ બનાવવામાં અને દેશની ટોચની સહકારી સંસ્થાઓમાં બેંકનું સ્થાન પ્રથમ નંબરે અંકિત કરવામાં સિંહફાળો આપી ખેડુતો માટે રાત-દિવસ અથાગ પરીશ્રમ કરનાર શ્રી વિઠલભાઈ રાદડીયાની રાહબરીમાં આ બેંકે જે વિકાસ અને વિશ્ર્વાસ સંપાદિત કરેલ છે તે ભવિષ્યમાં પણ જળવાઈ રહે તે આપણી સૌની સહિયારી જવાબદારી છે. ગત વર્ષમાં અપુરિ વરસાદમાં પાક નિષ્ફળ ગયેલ છે. તેના કારણે ખેડુતોને આર્થિક વ્યવહારોમાં મુશ્કેલી પડે નહિ તે માટે બેંકની ૧૯૪ શાખાઓ મારફત ઇન્ફોર્મેન્સ ટેકનોલોજી સાથે તમામ સવલતો આપવા પણ બેંક કટીબધ્ધ છે. ગુજરાતમાં જ નહિ દેશભરમાં ૨૪ કલાક ૩૬૫ દિવસ લોકર ઓપરેટીંગની સુવિધા પણ રાજકોટ જિલ્લા બેંકની હેડ ઓફિસમાં આપવામાં આવે છે તેમજ સાંજના ૪-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધી એકસ્ટેન્શન કાઉન્ટર ખોલી દાગીના ધિરાણની સુવિધા આપવામાં આવે છે. તા. ૩૧-૩-૨૦૧૯ ની સ્થિતિએ બેંકની થાપણો -૪૭૬૯ કરોડ, શેર ભંડોળ-૬૬ કરોડ, રીઝર્વ ફંડ-૪૭૭ , ધિરણો રૂા. ૩૩૪૭ કરોડ તથા રોકણો રૂા. ૨૬૧૬ કરોડ એ પહોંચેલ છે. બેંકનો સીઆરએઆર-૧૧.૧૫% થયેલ છે. વર્ષેાથી બેંકનુ નેટ એન.પી.એ. ૦% અને વસુલાત ૯૯% થી ઉપર રહે છે. આમ બેંકએ દરેક ક્ષેત્રે અવિરત પ્રગતિ જાળવી રાખેલ છે.
ખેડુતોને આપવામાં આવતી મધ્યમ મુદત ખેતિ વિષયક રૂા. ૧૧૦૦ કરોડની લોનના વ્યાજના દરમાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે નિયમીત વસુલાત ભરનાર ખેડુતોને ૧% વ્યાજ રાહત બેંક તરફથી આપવામાં આવશે. જે સહાયની કુલ રકમ રૂા. ૧૧ કરોડ જેવી થાય છે. બેંક સાથે જોડાયેલ ખેતિ વિષયક મંડળીઓ મારફત અપાતા રૂા. ૨૨૦૦ કરોડના કે.સી.સી. ધિરાણમાં હાલ મંડળીઓને ૧% માર્જીન આપવામાં આવે છે જે લોનમાં વર્ષ ૨૦૧૯-૨૦ માં મંડળીઓને ૧.૫% માર્જીન આપવામાં આવશે જે અંદાજીત સહાય રૂા. ૧૧ કરોડનો જિલ્લાની ખેતિ વિષયક મંડળીઓને લાભ થશે. જેથી મંડળીઓની આર્થિક સધ્ધરતામાં વધારો થશે. ખેતી વિષયક મંડળીઓના કર્મચારીઓને બેંકના કર્મચારીઓના ધોરણે ૮.૫૦% વ્યાજના પગારના ૧૦ પટ કે રૂા. ૩.૦૦ લાખની મર્યાદામાં નિયમ મુજબ ઓ.ડી.લોન મંડળી મારફત આપવામાં આવશે જેમાં મંડળીને બેંક ૮.૦૦% ના વ્યાજના દરે લોન આપશે. આ સાધરણ સભામાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા ઉપરાંત લાખાભાઈ સાગઠીયા, વાંકાનેર ધારાસભ્ય પીરજાદા, અરવિંદભાઈ રૈયાણી, ડી.કે. સખીયા, ભાનુભાઈ મેતા, વાધજીભાઈ બોડા, ગોવિંદભાઈ રાણપરીયા, હરદેવસિંહ જાડેજા, દવેન્દ્રભાઈ દેસાઈ, નીતીનભાઈ ઢાકેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.