રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેનપદે સર્વાનુમતે નિયુકત થતા અન્ન-નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા
આજે રાજકોટ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સની મળેલ સભામાં રાજયના અન્ન-નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાની બેંકના ચેરમેન પદે સર્વાનુમતે નિયુકિત કરવામાં આવેલ છે.
જિલ્લા બેંકના ચેરમેન પદે ચૂંટાયા બાદ મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યુ હતુ કે આ બેંકમાં ૨.૨૫ લાખ ખેડૂત સભાસદો છે. જેઓ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ મારફત બેંક સાથે જોડાયેલ છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે આ જિલ્લા સહકારી બેંક ખેડૂતોની મોટી સહકારી સંસ્થા છે અને ભવિષ્યમાં જરૂરીયાત અનુસાર ખેડૂતોના હિત માટે વિવિધ કાર્યો કરવામાં આવશે. ભૂતકાળમાં પણ બેંક દ્વારા ખેડૂતોના હક્ક-હિત માટે સંસ્થા દ્વારા અનેકવિધ નિર્ણયો કરવામાં આવેલ છે.
તેઓ એ જણાવ્યું કે બેંકના પૂર્વ ચેરમેન અને તેમના પિતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાની નાદુરસ્ત તબિયતના કારણે તેના ભાગરૂપે મને ચેરમેનતરીકે સર્વાનુમતે જવાબદારી સોંપવામાં આવેલ છે. મારા પિતા વિઠ્ઠલભાઇ રાદડીયાએ છેલ્લા ૨૦ વર્ષથી ડીસ્ટ્રીકટ બેંકનું સંચાલન કરીને જિલ્લા બેંકના વિકાસ તથા ખેડૂતોના હિતો માટે અનેકવિધ કાર્યો કરેલ છે. તેઓશ્રીની તબીયત સુધારા ઉપર છે અને ૩-૪ મહિના આરામ કરવાની ડોકટરોએ સલાહ આપેલ છે અને તબીયત પુન:સારી થતા તેમને સુકાન સોંપવામાં આવશે અને તેઓ પુરી તાકાતથી કામ કરશે.
બેંકના ચેરમેન પદે જયેશભાઇ રાદડીયાની વરણી થતા બેંકના બોર્ડ ડાયરેકટર અને જિલ્લા દૂધ સહકારી ડેરીના પ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, રાજકોટ માર્કેટ યાર્ડના પ્રમુખ ડી.કે. સખીયા સહીતના સહકારી ક્ષેત્રના આગેવાનોએ તેઓશ્રીનું ફુલ-હારથી સન્માન કરીને શુભ કામના વ્યકત કરી હતી.
ડીસ્ટ્રીકટ બેંકની ૧૮ સભ્યોની બોર્ડ ઓફ ડીરેકટરશ્રીની બેઠક મળી હતી. જેમાં વાઘજીભાઇ બોડાએ જયેશભાઇ રાદડીયાના નામની દરખાસ્ત કરી હતી અને પ્રવિણભાઇ રૈયાણીના ટેકા સાથે બોર્ડ ઓફ ડાયરેકટરશ્રીના સર્વે સભ્યોએ સર્વાનુમતે તેઓશ્રીની બેંકના ચેરમેનપદે નિયુકત કરેલ છે.