ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપીએ દિપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલી મુકી હતી: જજીસો અને બારના હોદ્દેદારોની હાજરી
રાજય કાનૂની સેવા સત્તા મંડળ અને હાઈકોર્ટના ઉપક્રમે રાજકોટ જિલ્લા સેવા કાનૂની સત્તા મંડળ અને ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપીના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લા અને તાલુકા મથકે લોક અદાલત યોજવામાં આવી હતી. જેમાં બેંક લેણા અને કલેઈમ સહિતના ૧૦ પ્રકારના મળી ૭૦૬૨ પૈકી ૨૧૯૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
વધુ વિગતો મુજબ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપીના હસ્તે લોક અદાલતને ખુલી મુકવામાં આવી હતી. જયારે સીનીયર અને જુનીયર ન્યાયધીશો તેમજ બાર એસો.ના પ્રમુખ અનિલભાઈ દેસાઈ તથા ઉપપ્રમુખ બકુલ રાજાણી સહિતના હોદ્દેદારો અને વકીલો ઉપસ્થિત રહ્યાં હતા. આજની લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ, બેંક લેણા, કલેઈમ, લગ્ન વિષયક, મજૂર અદાલતો, જમીન સંપાદન, ઈલેકટ્રીક સિટી અને પાણીના બીલો, રેવન્યુ અને દિવાની પ્રકારના મળી ૭૦૬૨ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી ૨૧૯૬ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં અકસ્માત, વળતરમાં ૮૩ કેસમાં ૨.૨૧ કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. તેમજ ચેક રીટર્નના ૬૬૦ અને લગ્ન વિષયકના ૧૧૧ કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું તેમ ઈન્ચાર્જ ફૂલ ટાઈમ સેક્રેટરી જી.ડી.પડીયાની યાદીમાં જણાવાયું છે.