- સી-વિજિલમાં 57, એમ.સી.સી. ટોલ ફ્રીમાં 15, અને 1950માં 7 ફરિયાદોની નોંધણી
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં તા.08 એપ્રિલ સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી 79 ફરિયાદોનો ઉકેલવામાં આવી હતી.
રાજકોટ જિલ્લામાં સી-વિજિલમાં 57 ફરિયાદો, એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબરમાં 15 ફરિયાદો, જિલ્લા સંપર્ક કેન્દ્ર – 1950 હેલ્પલાઈન નંબરમાં 7 ફરિયાદો નોંધાયા બાદ તમામ ફરિયાદોનું તુરંત નિરાકરણ કરાયું હતુ. તેમ નોડલ ઓફિસરએચ. કે. સ્વામીની યાદીમાં જણાવાયું છે.
નાટક, ચિત્ર સ્પર્ધા અને રેલીથી લોકોને જાગૃત કરવાના પ્રયાસ
71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના લોધિકા ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ સ્ત્રી મતદારોએ મતદાન કરવું જોઈએ એવો અનુરોધ કરાયો હતો. અને મહિલા મતદારોને મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આઈ.ટી.આઈ. રાજકોટના તાલીમાર્થીઓએ મતદાનનું મહત્વ સમજાવતું નાટક રજૂ કરી મતદાનની સમસ્ત પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી. તાલીમાર્થીઓએ ડ્રોઈંગ સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતુ. ગોંડલની પાટખિલોરી પ્રાથમિક શાળા ખાતે નાયબ મામલતદાર વાય.ડી.ગોહિલ દ્વારા ઈ.વી.એમ., મતદાન અને સ્વીપ અંગેની જાણકારી ગ્રામજનોને આપવામાં આવી હતી. અને ચિભડા પ્રાથમિક શાળામાં શાળાના વિદ્યાર્થીઓએ સ્લોગન અને ચિત્ર સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષક અને આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
સ્વિપ અંતર્ગત પેમ્ફલેટનું વિતરણ કરીને મતદારોને જાગૃત કરાયા
લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી – 2024નો સૌથી મોટો અવસર આવી રહ્યો છે. આગામી તારીખ 7 મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ 70 – રાજકોટ દક્ષીણ વિધાનસભા મત વિસ્તારના 50 % થી નીચા મતદાન વાળા ભાગ નં 44,45,46 ના લોહાનગર,મફતીયાપરા ઝૂપડપટ્ટી વીસ્તારમાં બી.એલ.ઓ દ્વારા આમંત્રણ પત્રીકા તથા પેમ્ફલેટનું વિતરણ કરીને મતદારોને મતદાન કરવા પ્રેરીત કરવામાં આવ્યા.