કોરોનાની બીજી લહેર પૂર્ણતાના આરે છે ત્યારે હવે રાજકોટ શહેરમાં પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું છે. ડેન્ગ્યુ અને મેલેરીયા સહિતના કેસોનું પ્રમાણ વધતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. જો કે, રોજ કોરોના ટેસ્ટીંગનું પ્રમાણ પણ સતત વધારવામાં આવ્યું છે. જેની સામે કેસમાં કોઈ વધારો થયો હોવાનું નોંધાયું નથી.
એક જ માસમાં ડેન્ગ્યુ 9 અને મેલેરીયાના 7 કેસો નોંધાયા
આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ જાન્યુઆરી માસથી લઈ આજ સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના કુલ 19 કેસો નોંધાયા છે. જ્યારે મેલેરીયાના 16 કેસ અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે. એકલા જુલાઈ માસમાં જ ડેન્ગ્યુના 9 કેસો મળી આવ્યા હતા. જ્યારે મેલેરીયાના 7 કેસ અને ચિકનગુનિયાનો જે એક કેસ મળ્યો છે તે જુલાઈ માસમાં જ નોંધાયો છે. આ ઉપરાંત શરદી, ઉધરસ અને સામાન્ય તાવના 573 કેસ મળી આવ્યા છે.
શરદી-ઉધરસ અને સામાન્ય તાવના 573 કેસ: દવાખાનાઓ ઉભરાયા
સામાન્ય રીતે સપ્ટેમ્બર માસથી ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળતો હોય છે પરંતુ જે રીતે જુલાઈ માસમાં ડેન્ગ્યુના 9 કેસો મળી આવ્યા તે પણ ચિંતામાં વધારો કરી રહ્યાં છે. હાલ સતત વાદળછાંયા વાતાવરણના કારણે સિઝનલ રોગનું પ્રમાણ વધ્યું છે.
કોરોનાના કેસમાં ચોક્કસ ઘટાડો નોંધાયો પરંતુ ઋતુજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સામાન્ય તાવ આવે તો પણ હવે લોકો કોરોનાના રિપોર્ટ કરાવી રહ્યાં છે. રોગચાળાને વકરતો અટકાવવા કોર્પોરેશન દ્વારા અત્યારથી જ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે.