ધર્મશાળામાં શિયાળાની કઠોર પરિસ્થિતિઓને કારણે, આઉટફિલ્ડમાં ઘાસની પૂરતી ડેન્સિટી ન હોવાથી સ્થળ બદલાયું
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ચાર ટેસ્ટની શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટમાં મહેમાન ટીમે નાગપુર ખાતે એક ઇનિંગ્સ અને 132 રને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી ટેસ્ટ દિલ્હી, ત્રીજી ટેસ્ટ ધર્મશાલા અને ચોથી ટેસ્ટ અમદાવાદમાં શેડ્યુલ્ડ હતી. જો કે, હવે ત્રીજી ટેસ્ટનું વેન્યુ બદલાઈ ગયું છે. આ મેચ ધર્મશાલાની જગ્યાએ ઇન્દોર ખાતે રમાશે. બીસીસીઆઈ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.
બીસીસીઆઈએ વેન્યુ બદલવાનું કારણ આપતા જણાવ્યું કે, આ પ્રદેશમાં શિયાળાની કઠોર પરિસ્થિતિઓને કારણે, આઉટફિલ્ડમાં ઘાસની પૂરતી ડેન્સિટી નથી અને તેને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં થોડો સમય લાગશે. તેવામાં અહીં સમયસર ત્રીજી ટેસ્ટ રમવી શક્ય નથી. તેથી વેન્યુ બદલીને ધર્મશાલાની જગ્યાએ ઇન્દોર કરવામાં આવ્યું છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ 1 માર્ચના રોજ ઇન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. જ્યારે બીજી ટેસ્ટ દિલ્હી ખાતે 17 ફેબ્રુઆરીએ શરૂ થશે. તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની અંતિમ ટેસ્ટ 9 માર્ચના રોજ રમવાની છે.