મેયર ડો.પ્રદિપ ડવ સહિત વોર્ડના ચારેય કોર્પોરેટરો ઘટનાસ્થળે દોડી ગયા: કોર્પોરેશને આરોગ્યની 6 ટીમો ઉતારી દીધી: કાલે પાણી વિતરણના સમયે તમામ 5 પાઇપલાઇનોનું ચેકીંગ કરાશે

પુનિતનગર 80 ફૂટ રોડ પર દિવાળી ચોકમાં ડ્રેનેજનું પાણી પીવાની પાઇપલાઇનમાં ભળી જવાને કારણે અવસર એપાર્ટમેન્ટમાં 32 લોકોને

ઝાડા-ઉલ્ટી થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ: એપાર્ટમેન્ટના 68 ફ્લેટ અને દિવાળી પાર્કમાં 42 ઘરોમાં 500 લોકોનો સર્વે: પાણીના સેમ્પલ લેવાયા

શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ડો.પ્રદિપ ડવના મતવિસ્તાર વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં પુનિતનગર 80 ફૂટ રોડ પર રોડના ખોદકામ દરમિયાન 3 દિવસ પૂર્વે ડ્રેનેજની પાઇપલાઇન અલગ-અલગ 3 જગ્યાએ તૂટતા ડ્રેનેજનુ ગંધાતુ પાણી પીવાની પાઇપલાઇનમાં ભળી જવાના કારણે અવસર એપાર્ટમેન્ટમાં 32 લોકોને ઝાલા-ઉલ્ટી થતાં કોર્પોરેશનમાં દોડધામ મચી જવા પામી છે. આજે સવારે મેયર સહિત વોર્ડ નં.12ના તમામ કોર્પોરેટરો ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

આરોગ્ય વિભાગની 6 ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વે સહિત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લોકોને પીવાનું પાણી ઉકાળીને ઉપયોગમાં લેવા તાકીદ કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં પુનિતનગર વિસ્તારમાં હાલ રસ્તાનું કામ ચાલી રહ્યું છે.

જેના કારણે અલગ-અલગ  3 સ્થળે ડ્રેનેજની પાઇપલાઇન તૂટી હતી જેના કારણે ડ્રેનેજનું ગોબરૂ પાણી પીવાની પાઇપલાઇનમાં ભળી જવાને કારણે આ વિસ્તારમાં દિવાળી ચોકમાં આવેલા અવસર એપાર્ટમેન્ટમાં 32 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી થઇ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં આજે સવારે મેયર ડો.પ્રદિપ ડવ ઉપરાંત વોર્ડના ચારેય કોર્પોરેટરો ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

આરોગ્ય શાખાની 6 ટીમો દ્વારા અવસર એપાર્ટમેન્ટના 68 ફ્લેટ અને દિવાળી ચોકમાં આવેલા દિવાળી પાર્કમાં 42 ઘરોમાં સઘન સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 500 લોકોનો સર્વે કરાયો હતો. જે પૈકી 32 લોકોને ઝાડા-ઉલ્ટુ થવા હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકી એકપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. પ્રથમ કેસ 25મીના રોજ જોવા મળ્યો હતો.

આરોગ્યની ટીમ દ્વારા 1100 ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફ્લેટના ટાંકા, બોર અને ઘરમાંથી પીવાના પાણીના સેમ્પલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ચેક કરવા માટે લેવામાં આવ્યા હતા. દરમિયાન આજથી રોજ એક મોબાઇલ ડીસ્પેન્સરી સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે. જે લોકોને જરૂરીયાત પ્રમાણે દવા સ્થળ પર જ આપશે. આવતીકાલે આ વિસ્તારમાં પાણી પહોંચાડતી તમામ પાઇપલાઇનોનું ચેકીંગ કરવામાં આવશે ત્યાં સુધી લોકોને પાણી ઉકાળીને ઉપયોગમાં લેવા માટે તાકીદ કરવામાં આવ્યું છે.

લોકોને પાણી ઉકાળીને ઉપયોગમાં લેવા કોર્પોરેશનની અપીલ

દૂષિત પાણી પીવાના કારણે પુનિતનગરમાં અવસર એપાર્ટમેન્ટમાં 32 લોકોને ઝાડા-ઉલ્ટી થવા પામ્યા છે. આજે આરોગ્ય શાખાએ 6 ટીમો મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. આવતીકાલે આ વિસ્તારમાં પાણી પહોંચાડતી તમામ પાઇપલાઇનોનું ચેકીંગ હાથ ધરવામાં આવશે ત્યાં સુધી તમામ લોકોને ઉકાળીને પાણી પીવાની અપિલ કરવામાં આવી છે. પાણીના ટાંકા, બોર અને ઘરમાં જે પાણી પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના ચેકીંગ અર્થે મોકલવામાં આવ્યા છે.

3 દિવસ પાણીની લાઇન લીકેજ હોવા અંગેની કોઇ ફરિયાદ મળી નથી: મેયર

પુનિતનગર વિસ્તારમાં અવસર એપાર્ટમેન્ટ અને દિવાળી પાર્કમાં ડ્રેનેજની લાઇન અને પીવાના પાણીની લાઇન એક થઇ જવાના કારણે ઝાડા-ઉલ્ટીના રોગચાળો ફાટી નીકળ્યો છે. વિસ્તારવાસીઓએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે ડ્રેનેજની લાઇન તૂટી હોવા અંગે 3 દિવસ પહેલા ફરિયાદ કરવા છતાં કોર્પોરેશનનો સ્ટાફ ફરક્યો ન હતો જેના કારણે લોકો ઝાલા-ઉલ્ટીના સંકજામાં સપડાયા છે.

દરમિયાન આજે સ્થળ મુલાકાત બાદ મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે 3 દિવસથી પાણીની લાઇન લીકેજ હોવાનુ કોઇ સત્તાવાર ફરિયાદ મળી નથી. પાણીના કારણે ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફેલાઇ હોવાના શંકાના આધારે લોકોને પાણીના ટાંકા ખાલી કરવા નાખવા જણાવવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા અહીં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવશે અને આવતીકાલે પાણી વિતરણના સમયે તમામ પાંચેય પાઇપલાઇન ચેકીંગ પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.