અબતક, રાજકોટ
કોરોના સામે લડવા માટેનું એકમાત્ર શસ્ત્ર વેક્સિન છે. ગત 16મી જાન્યુઆરીથી દેશભરમાં વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ 50 ટકાથી પણ વધુ લોકોને કોરોનાની વેક્સિન આપી સુરક્ષીત કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં પણ 80 ટકાથી વધુ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. અગાઉ નિર્ધારીત કરેલા વસ્તીના લક્ષ્યાંકમાં 1 લાખનો વધારો કરવામાં આવ્યો છે. હવે 10.93 લાખ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. દરમિયાન બીજા ડોઝ માટે શહેરના ત્રણેય ઝોનમાં 1-1 સેન્ટર વધારવામાં આવશે તેવી જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ શહેરમાં 18 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 9,93,428 લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક હતો જેની સામે 91 ટકા એટલે કે, 9,75,077 લોકોને પ્રથમ ડોઝ અને 35 ટકા લોકો એટલે કે, 3,15,170 લોકોને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. દરમિયાન હવે વસ્તીના લક્ષ્યાંકમાં 1 લાખ લોકોનો વધારો કરવામાં આવ્યો છે. જેને નજરમાં રાખી આવે તો શહેરમાં 80 ટકા જેટલી વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે. લક્ષ્યાંક સામે થયેલી કામગીરીમાં પ્રથમ ક્રમે ગાંધીનગર, બીજા ક્રમે બરોડા અને ત્રીજા ક્રમે રાજકોટ રહ્યું છે.
હાલ રાજકોટને દૈનિક 15000 વેક્સિનના ડોઝની ફાળવણી કરવામાં આવે છે. જેની સામે 12500 લોકોને વેક્સિન આપવામાં આવે છે. હાલ વેક્સિનનો જથ્થો સરપલ્સ છે. બીજી તરફ શહેરમાં 67000 લોકો એવા છે જેને કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો હોવાના 84 દિવસ વિત્યા છતાં તેઓ બીજો ડોઝ લેવા આવતા નથી. રાજકોટવાસીઓને ઝડપથી વેક્સિનનો બીજો ડોઝ મળી રહે તે માટે હવે શહેરના ત્રણેય ઝોનમાં ખાસ સેક્ધડ ડોઝ માટે 1-1 સેન્ટર ઉભા કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રથમ ડોઝ જે લોકોએ લઈ લીધો છે અને બીજો ડોઝ લેવાનો બાકી છે તથા સમય મર્યાદા થઈ ચૂકી છે તેઓ બીજો ડોઝ લઈ લે તેવી અપીલ કરવામાં આવે છે. કોરોના સામે લડવા માટે હાલ માત્ર વેક્સિનેશન જ મજબુત હથિયાર છે. આગામી દિવસોમાં ખાસ 2 ડોઝ આપવા વધુ સેન્ટર ઉભા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 31 સેશન સાઈટ પર કોવિશિલ્ડ અને 2 સેશન સાઈટ પર કો-વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યાં છે.