ગાર્ડનમાં સિક્યુરિટી પોઇન્ટ પર ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહનું સરપ્રાઇઝ ચેકીંગ: નરસિંહ મહેતા ઉદ્યાન બપોર પછી સિક્યુરિટી આવતો જ ન હોવાનું ખૂલતાં એજન્સીને નોટીસ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોતાના માલ મિલકતની સુરક્ષા માટે મહિને 92 લાખથી પણ વધુનો ખર્ચો કરવામાં આવે છે. છતાં બગીચાઓમાં રાત્રિના સમય દરમ્યાન ન હોવાની ઘટસ્ફોટ થયો છે. જેમાં સિક્યુરિટી એજન્સીની ક્ષતિ પકડાતા તાત્કાલિક અસરથી નોટીસ આપી ખૂલાસો કરવા તાકીદ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે મહાપાલિકાની જુદી-જુદી મિલકતોની જાળવણી માટે 19-જેટલી પ્રાઈવેટ સિકયુરીટી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. જેમાં 646 જેટલા સિકયુરીટી ગાર્ડ અલગ-અલગ જગ્યાએ ફરજ બજાવે છે. તેમજ આ માટે રાજકોટ મહાનગરપાલિકા માસિક રૂ.9252335/- નો ખર્ચ કરે છે.
આ સિકયુરીટી ગાર્ડ જે-તે સ્થળે નિયમિત ફરજ બજાવે છે કે નહી, આ અંગે સરપ્રાઈઝ ચેકીંગ ડેપ્યુટી મેયર તથા ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ સાથે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં ગાર્ડનોમાં ચેકીંગ કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા હસ્તક જુદા-જુદા ગાર્ડનોમાં રાઉન્ડ ધ કલોક સિકયુરીટી ગાર્ડ ફરજ પર મુકવામાં આવેલ છે. જે સંદર્ભ નરસિંહ મહેતા ઉદ્યાન ખાતે રાત્રીના સમયે ચેકીંગ હાથ ધરવામાં આવેલ અહી બે સિકયુરીટી ગાર્ડ ફરજ પર રાખવામાં આવેલ છે.
સિકયુરીટી ગાર્ડ ને 08-00 થી 16-00 તથા 16-00 થી 24-00 ફરજ સોંપવામાં આવેલ છે. પરંતુ રાત્રીના સમયે આ સિકયુરીટી ગાર્ડ ફરજ પર હોતા જ નથી. આ બાબત ઘણી ગંભીર જણાય છે. આ અંગે સત્વરે ડેપ્યુટી મેયર દ્વારા ડેપ્યુટી કમિશનરને પગલા લેવા સ્થળ પર સુચના આપવામાં આવેલ છે. જે સંદર્ભ ડેપ્યુટી કમિશનરની સુચના અન્વયે સુરક્ષા અધિકારી દ્વારા સત્વરે આ સિકયુરીટી ગાર્ડની એજન્સી જય ભારત સિકયુરીટી ઓર્ગેનાઈજેશન, જુનાગઢને સિકયુરીટી ગાર્ડની ફરજ પર બેદરકારી સંદર્ભ તેની નોટિસ આપવામાં આવેલ છે. તેમજ ખુલાસો કરવા જણાવામાં આવેલ છે.
ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહે જણાવેલ રાજકોટ મહાનગરપાલિકા મિલકતોની જાળવણી માટે સિકયુરીટી એજન્સી પાછળ મોટા ખર્ચ કરે છે. ત્યારે ફરજ પર અનિયમિતતા જે-તે સ્થળે દબાણ તેમજ અસામાજિક પ્રવૃતિ થાય અને સિકયુરીટી ગાર્ડની ફરજ હોય છતાં આવી પ્રવૃતિ થાય.
આ બાબત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહી આવે. જેથી આ અંગે ડેપ્યુટી કમિશનરને સત્વરે તમામ એજન્સીઓને ફાળવેલ સિકયુરીટી ગાર્ડનાં તમામ પોઈન્ટ પર તપાસ હાથ ધરવા અને દબાણ કે અસામાજિક પ્રવૃતિ થાય તો પ્રથમ જવાબદારી જે-તે સિકયુરીટી એજન્સી અને સિકયુરીટી ગાર્ડની હોય તો તેની સામે કડક હાથે પગલા લેવા સુચના આપવામાં આવેલ છે.