મેલેરિયાના બે, શરદી-ઉધરસના 283, સામાન્ય તાવના 61 અને ઝાડા-ઉલ્ટીના 73 કેસ: મચ્છરોની ઉત્પતિ સબબ 1145 આસામીઓને નોટિસ, 1.60 લાખનો દંડ વસૂલાયો
સતત વરસાદી વાતાવરણના કારણે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યૂના 9 અને મેલેરિયા તાવનો એક કેસ મળી આવતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મચ્છરોની ઉત્પતિ સબબ 1145 આસામીઓને નોટિસ ફટકારી રૂ.1.60 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂ તાવના 9 કેસ નોંધાયા છે. ચાલુ સાલ આજ સુધીમાં કુલ 69 કેસ મળી આવ્યા છે. જ્યારે મેલેરિયાનો પણ બે કેસ નોંધાયો છે.
આ વર્ષે મેલેરિયાના કુલ 24 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શરદી-ઉધરસના 283 કેસ, સામાન્ય તાવના 61 કેસ, ઝાડા-ઉલ્ટીના 73 કેસ નોંધાયા છે. એક સપ્તાહમાં 54,857 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 2195 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. અલગ-અલગ 633 સ્થળે મચ્છરોની ઉત્પતિ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
રહેણાંક વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ મળી આવતા 1145 આસામીઓને નોટિસ ફટકારી રૂ.1,60,200નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.