મચ્છરોની ઉત્પતિ સબબ 1141 આસામીઓને ફટકારાઈ નોટિસ: મેલેરીયાનો એક અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા

ડેન્ગ્યુએ રાજકોટમાં અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યુના વધુ 49 કેસ નોંધાતા કુલ કેસનો આંક 273એ પહોંચી જવા પામ્યો છે. મચ્છરોની ઉત્પતિ સબબ 1141 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. મેલેરીયાનો 1 અને ચિકનગુનિયાના પણ બે કેસો નોંધાયા છે.

આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં ડેન્ગ્યુના 49 કેસો નોંધાયા છે. એક સપ્તાહમાં વધુ 49 કેસ સાથે ચાલુ સાલ કુલ કેસની સંખ્યા 273એ પહોંચી જવા પામી છે. આ ઉપરાંત મેલેરીયાનો 1 કેસ નોંધાયો છે. મેલેરીયાના કુલ કેસની સંખ્યા 45 થવા પામી છે. છેલ્લા બે સપ્તાહથી ચિકનગુનિયાનો કહેર ઘટ્યો હતો. પરંતુ ગત સપ્તાહે ચિકનગુનિયાના 2 કેસ નોંધાતા કુલ કેસનો આંક 21એ પહોંચી જવા પામ્યો છે. 25 થી 31 ઓકટોબર દરમિયાન શહેરમાં 74186 ઘરોમાં પોરાભક્ષક કામગીરી હાથ ધરવામાં આવી હતી. 6142 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.

બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઈન્ડ., હોસ્ટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, પાર્ટી પ્લોટ, પેટ્રોલપંપ, સરકારી કચેરી અને ધાર્મિક સ્થલ સહિત કુલ 615 સ્થળે મચ્છરોની ઉત્પતિ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન 121 બાંધકામ સાઈટ પૈકી 79 બાંધકામ સાઈટ અને 128 ઈન્ડસ્ટ્રીઝ પૈકી 76 ઈન્ડસ્ટ્રીઝને નોટિસ ફટકારવામાં આવી હતી.

રહેણાંક વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ અંગે 1141 આસામીને નોટિસ ફટકારી રૂા.40,200નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરીયા અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા છેલ્લા 2 માસથી કરવામાં આવી રહેલી કામગીરીને જાણે મચ્છરો ગણકારતા ન હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.