એક અઠવાડીયામાં ડેન્ગ્યૂના નવા 10 કેસ મળી આવ્યાં: શરદી-ઉધરસના 212, ઝાડા-ઉલ્ટીના 60 અને તાવના 43 કેસ નોંધાયા
શિયાળાની શરૂઆત થઇ જવા પામી છે છતાં હજુ શહેરમાં ડેન્ગ્યૂનો ડંશ ઓછું થવાનું નામ લેતો નથી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યૂના નવા 10 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાનો પણ એક કેસ મળી આવ્યો છે. મચ્છરોની ઉત્પતિ સબબ 433 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે મેલેરિયાનો એક કેસ મળી આવ્યો છે. ચાલુ સાલ અત્યાર સુધીમાં મેલેરિયાનો કુલ 48 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યૂના નવા 10 કેસ મળી આવતા આ વર્ષે ડેન્ગ્યૂના કેસનો આંક 257એ પહોંચ્યો છે. શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 212 કેસ, સામાન્ય તાવના 43 કેસ, ઝાડા-ઉલ્ટીના 60 કેસ મળી આવ્યાં છે. રોગચાળાની અટકાયત માટે 14,479 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે 865 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. મચ્છરોની ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, ભંગારના ડેલા, કોમ્પ્લેક્સ, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી સહિત 472 કોમર્શિયલ સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત 89 સ્થળોએ મચ્છરોની ઉત્પતિ જણાતા નોટિસ આપવામાં આવી હતી. જ્યારે રહેણાંક હેતુની 344 મિલકતોમાં મચ્છરની ઉત્પતિ દેખાતાં નોટિસ આપવામાં આવી છે. સામાન્ય રીતે શિયાળામાં ડેન્ગ્યૂનો કહેર ઘટી જતો હોય છે પરંતુ આ વર્ષે હજુ શિયાળો શરૂ થઇ ગયો હોવા છતાં ડેન્ગ્યૂ ઘટવાનું નામ લેતો નથી.